વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરે એવી શક્યતા
રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમ બાજુમાં 47 એકર જગ્યામાં અર્બન ફોરેસ્ટના નિર્માણનો દેશનો પહેલવહેલો પ્રોજેક્ટ અંતે સાકાર થયો છે. અહીં રામવનની થીમ સાથે 7.68 કરોડના ખર્ચે અર્બન કોરેસ્ટ અને 1.61 કરોડના ખર્ચે થીમ આધારિત સ્કલ્પચર બનાવવાનું કામ પૂર્ણ થતા આ મહા અને આકર્ષક પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાવવા મહાપાલિકા દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે.
મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ ઉપસ્થિત રહે અને વડા પ્રધાન રામ વનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરે એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. જો બધું સમૂસૂતરૂં પાર પડ્યું તો ઓગસ્ટમાં લોકોને આ અનન્ય ભેટ મળે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.


રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્વારા આજી ડેમ ઉપરાંત વિશાળ પ્રધ્યુમ્ન પાર્ક ઝૂ અને હવે રામ વન સાથે પૂર્વ ઝોનમાં આકર્ષક પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના વનવાસ સહિત પૂરા જીવન ચરિત્રના પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને અહીં જોવા તથા માણવા મળશે. 3.4 કિ.મી.ના રસ્તા, અઢી કિમીની કમ્પાઉન્ડ વૉલ, બે તળાવ, પાથ-વે, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, સોલાર લાઇટ, રામસેતુ, એક બ્રીજ, 6 ગજેબો, પ્લેગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશિવન, આર્ટ બૅન્ચિંગ વગેરે આકર્ષણ અર્બન ફોરેસ્ટમાં ઊભા કરવામાં આવ્યા છે.


જુદા જુદા 23 સ્કલ્પચરમાં ભવ્ય ગેટ, રામ-લક્ષ્મણ, સીતા, હનુમાનજીની પ્રતિમાઓ, જટાયુ દ્વાર, શબરી, જુદા જુદા મિલાપ પ્રસંગો, ચાખડી, રામરાજ્યાભિષેક, યોગ કરતા બાળકો વગેરે સ્કલ્પચર છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાર્યકાળમાં નાગરિકોને ટ્રાફિક તેમજ પ્રદુષણથી દૂર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે વોર્ડ નં 15 માં આજીડેમ પાસે નેશનલ હાઇવેની નજીક આશરે 47 એકર જમીન પર “અર્બન ફોરેસ્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રામ વન થીમ આધારિત સ્કલ્પચરો તથા બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં રામ વનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.
– રાજકોટ ન્યૂઝ






