વરલી સ્થિત નેહરૂ સેન્ટર આર્ટ ગેલેરી ખાતે ચાતક 2023- ધ મોન્સુન શો નામનું પ્રદર્શન ચાલી રહ્યું છે. 22 જૂનથી શરૂ થયેલું પ્રદર્શન 30 જૂન સુધી સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી માણી શકાશે.
પ્રદર્શનમાં મુંબઈની એક પ્રતિભાશાળી કલાકાર અનુશ્રી એસ. જયસ્વાલનાં પેઇન્ટિંગને પણ સ્થાન મળ્યું છે. અનુશ્રી કહે છે કે, એક કલાકાર માટે પ્રેરણાની સાથે સમર્પણની આવશ્યકતા હોય છે. પેઇન્ટિંગ મારો શોખ જ નથી પ્રોફેશન પણ છે. અને સારા કુદરતી દૃશ્યો માટે ઘણો પ્રવાસ પણ કરું છું જેથી સુંદર પેઇન્ટિંગ બનાવી શકું.
ધ મેન્સુન શોમાં અનુશ્રીનું જે પેઇન્ટિંગ રજૂ કરાયું છે એ કાળી પેનનો ઉપયોગ કરી બનાવ્યું છે જેનું શીર્ષક છે – કેનવાસ ઑલ એક્રેલિક. અનુશ્રી કહે છે કે, હું મુંબઈમાં મોટી થઈ છું, પાણી અને મારી વચ્ચે ગાઢ સંબંધ છે. મને વરસાદનો અવાજ ઘણો પસંદ છે અને એ જોવા-સાંભળવામાં કલાકો વીતાવી દઉં છું. આ બે પક્ષી તરસના પ્રતીક છે, એ બંને વરસાદનું જ પાણી પીએ છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે એ સમયના તેમના આનંદનું પ્રતીક છે. અનુશ્રી કહે છે કે અન્ય કલાકારોની સાથે એનું પેઇન્ટિંગ પણ પ્રદર્શન માટે પસંદગી પામ્યું એનો મને ઘણો આનંદ છે.






