મીરા-ભાયંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સાથી પક્ષ શિંદે શિવસેનાની યુતિ તૂટી પડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઝંપલાવ્યું છે અને ૨૪ વોર્ડમાં ૮૭ ઉમેદવારો ઉતારી પોતાની શક્તિ દર્શાવી છે.
મીરા-ભાયંદરમાં ભાજપે પાલિકા ચૂંટણી માટે આક્રમક રણનીતિ અપનાવી છે. ભાજપના નેતા અને વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શિંદે શિવસેના સાથેની યુતિ તૂટી જતા ભાજપે સ્વતંત્ર રીતે ૨૪ વોર્ડમાં કુલ ૮૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અન્ય ૧૨ બેઠકો સાથી પક્ષો અને અજિત પવાર જૂથ માટે છોડવામાં આવી છે.
આ ૮૭ ઉમેદવારોમાં સમાજિક સંતુલન રાખવામાં આવ્યું છે. તેમાં ૨૪ મરાઠી (આગરી ભૂમિપુત્ર), ૧૫ મરાઠી, ૧૨ ગુજરાતી, ૧૪ રાજસ્થાની, ૧ પંજાબી, ૧ બંગાળી, ૨ દક્ષિણ ભારતીય, ૧૪ ઉત્તર ભારતીય અને ૪ ખ્રિસ્તી ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ રીતે તમામ ધર્મ અને સમાજને જનાધાર અનુસાર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના માર્ગદર્શન હેઠળ પક્ષે યુવાનોને વિશેષ તક આપી છે. ૩૫થી ૪૦ વર્ષની વયના પક્ષના સક્રિય કાર્યકરોમાંથી ૧૦ નવયુવાનોને ટિકિટ આપવામાં આવી છે. નરેન્દ્ર મહેતાએ અપક્ષ ઉમેદવારોને અપીલ કરી કે તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચી પક્ષના ઉમેદવારોને ટેકો આપે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સારા કામના આધારે મોટા ભાગના વર્તમાન નગરસેવકોને ફરી તક આપવામાં આવી છે. ભાજપને વિશ્વાસ છે કે આ વખતની ચૂંટણીમાં ગયા વખત કરતાં વધુ બેઠકો જીતીને મીરા-ભાયંદરમાં સશક્ત જીત હાંસલ કરશે.






