ગુજરાત સરકારે આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી સમગ્ર રાજ્યમાં છઠ્ઠાથી બારમા ધોરણના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બજેટમાં શિક્ષણ વિભાગ માટે થયેલી ફાળવણી અંગે વિધાનસભામાં થઈ રહેલી ચર્ચા દરમિયાન કરી હતી. શિક્ષણ પ્રધાને કહ્યું કે ભગવદ્ ગીતામાં દર્શાવાયેલા નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને સ્કૂલના પાઠ્યક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધારે લેવામાં આવ્યો છે.
જીતુ વાઘાણીએ કહ્યું કે નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઈપી) આધુનિક અને પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ અને શિક્ષા પ્રણાલીને સામેલ કરવાની ભલામણ કરે છે. જેથી વિદ્યાર્થીઓ ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ગર્વ અનુભવી શકે. પાછળથી પત્રકારો સાથેની વાતચીતમાં વાઘાણીએ જણાવ્યું કે તમામ ધર્મના લોકોએ આ પ્રાચીન હિન્દુ ગ્રંથમાં જણાવાયેલા નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું, એટલા માટે અમે છઠ્ઠાથી 12મા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
વાઘાણીએ કહ્યું કે ગ્રંથના આધારે સ્કૂલ પ્રાર્થના, શ્લોકનું પઠન, ગદ્યાંશ, નાટક, ક્વિઝ, પેઇન્ટિંગ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાશે. પ્રધાને કહ્યું કે પુસ્તકની સાથે ઑડિયો-વિડિયો, સીડી જેવી અભ્યાસ માટેની સામગ્રી સરકાર દ્વારા સ્કૂલોને ઉપલબ્ધ કરાવાશે. એ સાથે ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું કે આગામી શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણથી જ અંગ્રેજી ભણાવવાનું શરૂ કરાશે. જેથી ગુજરાતી અને અંગ્રેજી સિવાયનના માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓ આ અંગ્રેજીથી પરિચિત થાય અને ભવિષ્યમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.