ભારતમાં હીંગનો ઉપયોગ સદીઓથી થઈ રહ્યો હોવા છતાં ભારતમાં એનું ઉત્પાદન થતું નથી. ભારતમાં જેટલી પણ હીંગ વેચાય છે બધી આયાતી માલ હોય છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ (સીએસઆઈઆર)એ ભારતમાં એના ઉત્પાદનની પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સીએસઆઈઆરના કાર્યક્રમમાં આ પહેલની ચર્ચા કરી હતી.
શુક્રવારે વડાપ્રધાને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સીએસઆઈઆરના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યુ કે હીંગ માટે ભારત હંમેશ અન્ય દેશો પર નિર્ભર રહ્યુ છે. સીએસઆઈઆરની પહેલને કારણે હવે દેશમાં જ હીંગનું ઉત્પાદન શરૂ થયુ છે. ભારતમાં હીંગનું ઉત્પાદન શરૂ થતાં એની આયાત પર ખર્ચાતા વિદેશી હુંડિયામણની બચત થશે.
હીંગ એક પ્રકારની જડીબુટી છે જે હિમાલયના પર્વતોના એક ઝાડમાંથી મળે છે. એમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. સીએસઆઈઆરે દેશમાં હીંગની ખેતીની ઇન્સ્ટીટ્યુટ ઑફ હિમાલિયન બાયોરીસોર્સીસ, પાલમપુર (આઇએચબીટી) સાથે મળી ગયા વરસે ઓક્ટોબરમાં શરૂઆત કરી હતી. આ મિશન અંતર્ગત દેશના હિમાલય વિસ્તારમાં હીંગના 800 છોડ હિમાચલ પ્રદેશના લાહૌલ ઘાટીના ક્વારિંગ ગામમાં રોપવામાં આવ્યા છે.
એક અંદાજ મુજબ ભારત 1540 ટન હીંગની આયાત માટે દર વરસે લગભગ 940 કરોડ રૂપિયાની વિદેશી હુંડિયામણ રૂપે ચુકવે છે. હીંગ મુખ્યત્વે ઇરાન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનથી આયાત કરાય છે. આ અગાઉ પણ દેશમાં હીંગની ખેતીના પ્રયોગ થયા હતા પણ સફળતા મળી નહોતી.
આઇએચબીટી હિમાચલ પ્રદેશના કૃષિ વિભાના સહયોગમાં એની ખેતી કરી રહ્યું છે. જાણકારોના કહેવા મુજબ દેશમાં જ જો હીંગનું ઉત્પાદન થવાથી એની આયાત પરની નિર્ભરતા ઘટશે. ભારત કાચી હીંગની આયાત કરે છે જેને પ્રોસેસ કરાયા બાદ બજારમાં વેચવામાં આવે છે. એવું જણાવાઈ રહ્યું છે કે ભારતમાં રોપવામાં આવેલા છોડથી હીંગનું ઉત્પાદન શરૂ થતાં 4-5 વરસનો સમય લાગશે.
હીંગ તબિયત માટે ઘણી લાભદાયી છે. અપચો કે ગેસ્ટ્રિક ટ્રબલમાં હીંગ ઘણી ઉપયોગી છે. એ સિવાય પણ અનેક બીમારીઓમાં હીંગનો ઉપયોગ થતો હોય છે.