ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી) ગોટાળા મામલે મુંબઈ પોલીસે મંગળવારે રિપબ્લિકન ટીવીના ચીફ એડિટર અર્નબ ગસ્વામી વિરૂદ્ધ બીજી ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ નવ મહિને પોલીસે અર્નબ ગોસ્વામીનું નામ ચાર્જશીટમાં દાખલ કર્યું છે.
પોલીસે દાખલ કરેલી 1800 પાનાંની પૂરક ચાર્જશીટમાં અર્નબ ગોસ્વામી સહિત એઆરજી આઉટલર મીડિયાના ચાર લોકોના પણ નામો છે. પોલીસે ટીઆરપી મામલે અત્યાર સુધીમાં 15 જણને દોષી ઠરાવ્યા હતા. જેમાં જીન બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા અને રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીનો સમાવેશ થાય છે.
24 માર્ચે અર્નબ ગોસ્વામીએ બૉમ્બે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી બાદ ધરપકડ કરવામાં આંશિક રાહત આપી હતી. અરજીમાં પોલીસ, ખાસ કરીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ ગંભીર કહી શકાય એવું ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ અર્નબે કર્યો હતો.
રિપબ્લિક ટીવી ચૅનલના ચીફ એડિટર અર્નબ ગોસ્વામી અને દાસગુપ્તા વચ્ચે થયેલા કથિત વૉટ્સઍપ ચૅટના પગલે તેમનો ટીઆરપી ગોટાળો બહાર આવ્યો હતો. વૉટ્સઍપ ચૅટના ધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ દાસગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. બરતરફ થયેલા એપીઆઈ સચિન વાઝેએ શરૂઆતમાં આ મામલે તપાસ કરી હતી. બ્રૉડકાસ્ટ ઑડિયંસ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ પૈસા લીધા હોવાનો આક્ષેપ એ સમયે કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ નક્કર પુરાવા હોવાનું ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે. વૉટ્સઍપ ચૅટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. ગયા વરસે ઓક્ટોબરમાં ટીઆરપીના કથિત ગોટાળો બહાર આવ્યા બાદ રેટિંગ એજન્સીએ હંસા રિસર્ચ ગ્રુપ (એચઆરજી) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ અમુક ટીવી ચૅનલ્સ ટીઆરપીના રેટિંગ વધારતા હોવાનો આક્ષેપ કરાયો હતો.