જાણીતા વિતરક અને ડૉન સિનેમાના માલિક મહમૂદ અલીએ 13 જૂને અંધેરી પશ્ચિમમાં આવેલી તેમની ઑફિસમાં ફિલ્મ પત્રકારો માટે કોવિડ-19 માટેના રસીકરણ અભિયાનનું આયોજન કર્યુ હતું. આ અભિયાનના આયોજનમાં શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે અને સાઈ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમના આયોજન કરવાના ઉદ્દેશ અંગે જણાવતા મહમૂદ અલીએ જણાવ્યુ કે, આજે મહામારીના માહોલમાં સુરક્ષિત રહી શકાય એ માટે ઘણી ઑફિસ દ્વારા વર્ક ફ્રોમ હૉમ અપનાવાયું છે. પરંતુ પત્રકારોએ કોઈ પણ ઘટનાના કવરેજ માટે બહાર જવું જ પડે છે. અમે કોવિડને કારણે ઘણા પત્રકાર મિત્રો ગુમાવ્યા છે. એટલે મેં ફિલ્મ પત્રકારો માટે રસીકરણ અભિયાન આયોજિત કરવા અંગે વિચાર્યું. આ અભિયાનમાં સહાય કરવા હું રાહુલ શેવાળે અને સાઈ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સનો આભારી છું. અભિયાનને ઘણો સુંદર પ્રતિસાદ મળ્યો અને 200થી વધુ પત્રકારોએ રસી મુકાવી હતી.
કાર્યક્રમમાં રાહુલ શેવાળેએ પણ ખાસ હાજરી આપી હતી. જ્યારે ચેમ્બર ઑફ ફિલ્મ જર્નલિસ્ટ વતિ ફિલ્મ પત્રકાર અતુલ મોહન, ઇન્દ્રમોહન પન્નુ અને શશીકાંત સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પત્રકારોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શિબિરનું આયોજન કરવા માટે મહમૂદ અલી અને રાહુલ શેવાળેનો આભાર માન્યો હતો.