પુષ્ટિમાર્ગમાં અન્નકૂટ (અન્નનો પર્વત)એ શ્રી ઠાકોરજી પ્રત્યે પ્રેમ, સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સૌથી મોટો અને દિવ્ય ઉત્સવ છે. દર વર્ષે કારતક સુદ એકમ (બેસતા વર્ષ)ના દિવસે શ્રીનાથજી સહિત તમામ પુષ્ટિમાર્ગીય હવેલીઓ અને વૈષ્ણવોના ઘરે આ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વરસની જેમ આ વરસે પણ મીરા રોડ સ્થિત શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં કારતક સુદ છઠના પૂરા ભક્તિભાવ સાથે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર ઉત્સવ વિશે જાણકારી આપતા હવેલીના કાર્યકર્તા નિતિનભાઈએ જણાવ્યું કે, સવારે વૈષ્ણવોએ ગોવર્ધન પૂજાનો લાભ લીધો હતો. તો સાંજે અન્નકૂટના દર્શન કર્યા બાદ મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો.

પુષ્ટિમાર્ગમાં અન્નકૂટનું મુખ્ય મહત્વ
ગોવર્ધન લીલાની સ્મૃતિ. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રનો અહંકાર તોડવા માટે વ્રજવાસીઓ પાસે ઇન્દ્રયજ્ઞ બંધ કરાવીને શ્રી ગિરિરાજજીની પૂજા કરાવી હતી. ત્યારે પ્રભુએ પોતે ગિરિરાજ સ્વરૂપ ધારણ કરીને હજાર હાથે વ્રજવાસીઓ દ્વારા અર્પણ કરાયેલા તમામ ભોગ આરોગ્યા હતા, જેની સ્મૃતિમાં આજે પણ અન્નકૂટ ધરાવાય છે. શરણાગતિ અને રક્ષણનો ભાવ
ઇન્દ્રના કોપ અને મુશળધાર વરસાદથી વ્રજવાસીઓ તથા ગાયોની રક્ષા કરવા પ્રભુએ ટચલી આંગળી પર સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. આ લીલા દર્શાવે છે કે જે ભક્ત પ્રભુના અનન્ય શરણે જાય છે, પ્રભુ હંમેશા તેનું રક્ષણ કરે છે.
પ્રકૃતિ અને નવા અન્ન પ્રત્યે કૃતજ્ઞતા
ચોમાસા પછી ખેતરમાં પાકેલું નવું અનાજ અને શાકભાજી સૌપ્રથમ પ્રભુને અર્પણ કરીને પછી જ તેનો પ્રસાદ રૂપે ઉપયોગ કરવાનો સંદેશ આ ઉત્સવ આપે છે. આ પ્રકૃતિ, ગૌધન અને અન્નદાતા પ્રત્યે આભાર માનવાનો અવસર છે.
નિર્દોષ વાત્સલ્ય અને સખ્ય ભાવ. વ્રજ દ્વાર મુજબ, અન્નકૂટમાં સખા અને સખીઓના ભાવથી પ્રભુને વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. વૈષ્ણવો પોતાના ઘરની બનેલી સામગ્રી પ્રભુને લાડ લડાવવાના ભાવથી ધરાવે છે.
મહાપ્રભુજી અને ગુસાંઈજીની પરંપરા
પુષ્ટિમાર્ગ અનુસાર, શ્રી વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)એ પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવની શરૂઆત કરી હતી અને શ્રી ગુસાંઈજીએ તેના સેવાક્રમ અને ભવ્ય સ્વરૂપને વિસ્તાર્યું હતું.
અન્નકૂટ ઉત્સવની વિશેષતાઓ
અન્નનો પર્વત (કૂટ). આ ઉત્સવમાં મુખ્યત્વે ભાત (ચોખા)નો મોટો ઢગલો કરીને તેને ગિરિરાજ પર્વતનું સ્વરૂપ આપવામાં આવે છે.
વિવિધ સામગ્રીઓનો ભોગ
ઠાકોરજી સમક્ષ મિઠાઈ, ફરસાણ, શાક, દાળ, કઢી, અથાણાં અને વિવિધ પ્રકારના પકવાન પગથિયાં આકારે સજાવવામાં આવે છે.
ગોવર્ધન પૂજા અને ગૌ-ક્રીડા
અન્નકૂટ પહેલાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવી તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ગાયોને શણગારીને તેમની પૂજા અને ગૌ-ક્રીડા કરવામાં આવે છે.
નાથદ્વારાની અનોખી પરંપરા
શ્રીનાથજીની હવેલી (નાથદ્વારા)માં અન્નકૂટ દર્શન બાદ આદિવાસી (ભીલ) સમાજ દ્વારા અન્નકૂટ લૂંટવાની અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે





