મુંબઈ : મજૂરોના અધિકારોની લડતથી શરૂ થયેલી એક નાનકડી પહેલ આજે હજારો પરિવારોના જીવનમાં આશાનું કિરણ બની છે. મજૂરોને યોગ્ય વેતન, આરોગ્યસુવિધા, શિક્ષણ, આવાસ અને સામાજિક સુરક્ષા અપાવવાના ધ્યેય સાથે કાર્યરત ‘રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘ’ આજે 45 હજારથી વધુ સભ્યો ધરાવતી વિશાળ સંસ્થા બની છે.

સંઘના જનરલ સેક્રેટરી ગોવિંદ મોહિતેએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલાંથી મજૂરોના હક્ક માટે કાર્યરત બે સંસ્થાઓના એકીકરણ બાદ ગંગાધર દત્તાત્રય આંબેકરના નેતૃત્વમાં સંઘની સ્થાપના થઈ હતી. તે સમયે મુંબઈની 200થી વધુ કાપડ મિલોમાં કામ કરતા હજારો મજૂરો ઓછા વેતન, આરોગ્યસુવિધાના અભાવ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા હતા. તેમના અને તેમના પરિવારના કલ્યાણ માટે સંઘે સંઘર્ષની શરૂઆત કરી હતી.
પાંચ દાયકાથી વધુ સમયથી સંઘ સાથે જોડાયેલા ગોવિંદ મોહિતે આજે પણ મજૂરોના ઉત્કર્ષ માટે સક્રિય છે. હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ સચિન આહીર સંઘના અધ્યક્ષ છે. સંઘ સાથે જોડાયેલી પરંપરામાંથી મહારાષ્ટ્રને અનેક મુખ્યમંત્રીઓ પણ મળ્યા છે.
પરેલ-ભોઈવાડા સ્થિત સંઘના વિશાળ ભવનમાં આધુનિક કાર્યાલય, સભાગૃહ, કેટરિંગ કોલેજ, કમ્પ્યુટર અને ટાઇપરાઇટિંગ ક્લાસિસ કાર્યરત છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણકામ અને ફેશન ડિઝાઇનિંગના કોર્સ પણ ચલાવવામાં આવે છે.
મજૂરોને આરોગ્યવીમો, બોનસ, વેતનવૃદ્ધિ, રજાઓ અને આવાસ અપાવવા સંઘ સતત પ્રયત્નશીલ છે. મહાડા અને સરકારના સહયોગથી સેંકડો સભ્યોને ઘર અપાવવામાં પણ સફળતા મળી છે. ખંડાલા ખાતે પણ સંઘનું આધુનિક ભવન, નિવાસ રૂમ, કોન્ફરન્સ હોલ અને કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ છે.
આમ, મજૂરોના કલ્યાણ માટે રોપાયેલું સાત દાયકાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની હજારો પરિવારોને સુરક્ષા, સન્માન અને સ્વાવલંબનનો છાંયડો આપી રહ્યું છે.





