
શાડુ માટીથી ગણપતિની મૂર્તિ બનાવી પર્યાવરણપ્રેમનો સંદેશ; પાંચ વર્ષથી બાળકોની સર્જનાત્મક પરંપરા
ગણેશોત્સવમાં ભક્તિ સાથે સર્જનાત્મકતાનો સુંદર સંગમ જોવા મળ્યો. વિલેપાર્લે વેસ્ટના વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર આવેલા વ્રજ 9મા એવન્યુમાં રહેતા વૈભવ શાહના પુત્રો અને બહેનના દીકરાએ શાડુ માટીમાંથી મનમોહક ગણપતિની મૂર્તિ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે.


અઢી વર્ષના યુવરાજ વીરેન પારેખ, 10 વર્ષના વિયાન વૈભવ શાહ અને 11 વર્ષના વિવાન વૈભવ શાહએ ગુજરાતથી લાવવામાં આવેલી શાડુ માટીમાંથી ગણપતિની મૂર્તિ તૈયાર કરી છે. વિવાન અને વિઆન છેલ્લા પાંચ વર્ષથી નાની ગણેશમૂર્તિ બનાવે છે. ગુરુના માર્ગદર્શન હેઠળ તેમણે આ કળા શીખી હોવાનું માતા વિધિ વૈભવ શાહે જણાવ્યું હતું. બાળકો આનંદ ચૌદસના દિવસે ઘરે જ બાપ્પાનું વિસર્જન કરશે. રોબોટિક્સની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લઈને ટ્રોફી જીતનાર આ બાળકોની સર્જનાત્મકતા ખરેખર પ્રેરણાદાયી છે.





