મીરારોડની યુવતીની ફરિયાદ છતાં Zepto અને અમૂલ તરફથી જવાબ નહીં; ખાદ્ય સુરક્ષા પર ઊભા થયા સવાલ
ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને FDA હોટેલ-રેસ્ટોરાં સહિતના સ્થળોએ કાર્યવાહી કરે છે, ત્યારે ઓનલાઈન મંગાવવામાં આવતી ખાદ્યસામગ્રી અંગે પણ ગ્રાહકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે.
મીરારોડના કનકિયા વિસ્તારમાં રહેતી તન્વી કક્કડે ૭ સપ્ટેમ્બરે Zepto મારફતે અમૂલ બટર મંગાવ્યું હતું. પેકેટ ખોલતાં જ બટરની અંદર પ્લાસ્ટિક અથવા રેપર જેવા દેખાતા લાલ રંગના અનેક નાના ટુકડા જોવા મળ્યા. આ દૃશ્ય જોઈને ચોંકી ગયેલી તન્વીએ ઘટનાનો વીડિયો બનાવી પુરાવા તરીકે સાચવી લીધો.
તન્વીએ સૌપ્રથમ Zeptoમાં ફરિયાદ નોંધાવી, પરંતુ તેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નહીં. ત્યારબાદ તેણે અમૂલની ઈમેલ ચેનલ મારફતે વીડિયો સહિત ફરિયાદ કરી. ત્યાંથી પણ જવાબ ન મળતાં તેણે અમૂલની હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. તેને P26063410 ફરિયાદ નંબર આપવામાં આવ્યો અને ત્રણ દિવસમાં ફોન કરવાની ખાતરી અપાઈ હતી. જોકે, ફરિયાદ મુજબ હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી.

તન્વીનું કહેવું છે કે અમૂલ જેવી દાયકાઓથી વિશ્વાસપાત્ર ગણાતી બ્રાન્ડ પાસેથી આવી બેદરકારીની અપેક્ષા નહોતી. તેમના મતે આ માત્ર ખામીયુક્ત ઉત્પાદનનો મુદ્દો નથી, પરંતુ ખાદ્ય સુરક્ષા અને ગ્રાહક અધિકારો સાથે સીધો સંકળાયેલો ગંભીર પ્રશ્ન છે.
તન્વીએ FDA કમિશનર તુકારામ મુંડેને સમગ્ર મામલાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. સાથે જ અમૂલ અને સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઉત્પાદનની તપાસ, ખામીનું કારણ અને સ્પષ્ટ ખુલાસાની માંગ કરી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ Zepto અને અમૂલ સામે કાયદાકીય લડત લડવાની તૈયારી પણ તેણે વ્યક્ત કરી છે.





