મુંબઈના બોરીવલીમાં આ વખતે નવરાત્રિનો રંગ વધુ ભવ્ય, વધુ આધુનિક અને વધુ ઊર્જાસભર બનવાનો છે. ઓક્સફોર્ડ દ્વારા પ્રસ્તુત સુરભિ ગ્રુપ ગ્લિટ્ઝ નવરાત્રી ૨૦૨૬ની ભવ્ય જાહેરાત બોરીવલી પશ્ચિમના એસ્કે રિસોર્ટ્સ ખાતે યોજાયેલી પ્રી-નવરાત્રિ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ નવરાત્રિના સાંસ્કૃતિક અભિગમ અને ખાસ આકર્ષણોની ઝલક આપી હતી.
આ વર્ષે પણ ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી લોકગાયિકા ગીતા રબારી સતત બીજા વર્ષે બોરીવલીના ગરબા રસિકોને પોતાના લોકસંગીત અને ધમાકેદાર અંદાજથી ઝૂમાવશે. ગીતા રબારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમ બાદ આ વખતે તેમની રજૂઆતમાં ભક્તિ અને ઊર્જા બંને નવા સ્તરે જોવા મળશે.
નવરાત્રિનું સૌથી ખાસ આકર્ષણ બનશે ‘Gen Z Garba Fusion’. આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાગત ગરબા સાથે જોડવાના હેતુથી લોકધૂનની મૂળ આત્મા જાળવી રાખીને તેમાં આધુનિક સંગીતનો સુંદર સમન્વય કરવામાં આવશે. એટલે કે સંગીતનો અંદાજ નવો હશે, પરંતુ ગરબાની આત્મા એ જ—માતાજીની ભક્તિ અને ગુજરાતી સંસ્કૃતિ!
કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર-૪ ખાતે યોજાનારા આ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ 20 હજારથી વધુ ગરબા રસિકો ઉમટવાની અપેક્ષા છે. આશરે 1.25 લાખ ચોરસ ફૂટનું કાર્પેટ સહિતનું લાકડાનું ફ્લોરિંગ, ઓલ-વેધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 400થી વધુ સુરક્ષા કર્મીઓ અને બાઉન્સર્સ, 200થી વધુ વોલન્ટિયર્સ, 100થી વધુ હાઈટેક CCTV કેમેરા તથા 1,000થી વધુ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
Showglitzના ડિરેક્ટર સંતોષ સિંહના જણાવ્યા અનુસાર આ આયોજનનું આ નવમું વર્ષ છે. નવ દિવસ ગીતા રબારીનો જાદુ છવાશે અને દશેરાના દિવસે જાણીતી ગાયિકા ફાલ્ગુની પાઠકની ખાસ રજૂઆત મહોત્સવમાં ચાર ચાંદ લગાવશે.
કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ પિયુષ ગોયલના આશીર્વાદ સાથે યોજાતા આ મહોત્સવમાં માત્ર મોજ-મસ્તી નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ, સુરક્ષા અને સામૂહિક એકતાનો સંદેશ પણ કેન્દ્રસ્થાને રહેશે.





