ઉભરાટના દરિયાકિનારે ઝળહળ્યો ગ્લેમરનો જાદુ!
સુરતના મનમોહક ઉભરાટ દરિયાકિનારે આથમતા સૂરજની સોનેરી કિરણો વચ્ચે યોજાયેલ ગુજરાત ટૉપ મોડેલ સીઝન-7નો ગ્રૅન્ડ ફિનાલે ગ્લેમર, આત્મવિશ્વાસ અને પ્રતિભાનો અનોખો ઉત્સવ બની રહ્યો. સંગીતના સૂર અને રૅમ્પની રોનક વચ્ચે સ્પર્ધકોએ પોતાની કળા અને વ્યક્તિત્વનો શાનદાર પરિચય આપ્યો.

9 Color Eventના પ્રણેતા શ્યામ પટેલના મુખ્ય આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતી યુવા અભિનેત્રી સઈ માંજરેકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સિમરન આહુજાએ પોતાના ઉત્સાહભર્યા અને જીવંત એન્કરિંગથી યાદગાર બનાવી દીધું હતું.
મૂળ ફૅશન ડિઝાઇનર શ્યામ પટેલનું સ્વપ્ન હતું કે દરેક વ્યક્તિને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય મંચ મળે. આ જ વિચાર સાથે શરૂ થયેલી ગુજરાત ટૉપ મોડેલ સ્પર્ધાએ આજે સાતમી સફળ સીઝન પૂર્ણ કરી છે. સ્પર્ધામાં બાળકો, યુવાનો, પુરુષો અને સિનિયર સિટિઝન્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જોકે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રૅમ્પ પર આત્મવિશ્વાસ સાથે કેટવૉક કરતી યુવા મોડેલ્સ રહી હતી. વિવિધ આકર્ષક પરિધાનોમાં તેમણે પોતાની પ્રતિભા એવી રીતે રજૂ કરી કે કોઈ પણ વ્યાવસાયિક મોડેલને ટક્કર આપી શકે. શ્યામ પટેલ અને તેમની ફિયાન્સીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.
સીઝન-7 સુધી પહોંચવાના માર્ગમાં અનેક પડકારો આવ્યા છતાં શ્યામ પટેલે હિંમત હાર્યા નહીં. આજે તેમની સફળતા એ સાબિત કરે છે કે મોટા સપનાઓ જોનારાઓ માટે આકાશ પણ સીમા નથી. હવે તેમની નજર ગુજરાતના આ ફૅશન પ્લેટફોર્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની છે. તેમના આ જુસ્સા અને સંકલ્પને દિલથી સલામ.






