અમદાવાદ શહેર માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે તેને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઇન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેન પ્રાપ્ત થઈ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોલકાતા નજીક આવેલા ટિટાગઢ રેલ સિસ્ટમ્સના પ્લાન્ટમાં આ અત્યાધુનિક મેટ્રો ટ્રેનનું સ્વાગત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી આ મેટ્રો ટ્રેન અમદાવાદ માટે વિકાસનું નવું પ્રતીક બની છે. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલ આ ટ્રેન ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે અને તેના રંગ અને ડિઝાઇનમાં અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનો સ્પર્શ જોવા મળે છે.


મેટ્રો ટ્રેન ગ્રેડ ઓફ ઑટોમેશન-4 (GOA4) હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ અને ડ્રાઇવરલેસ છે, જેમાં શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અદ્યતન સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે. ફેઝ-2ના 21 કિ.મી. કાર્ય પૂર્ણ થતાં વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા આ ટ્રેનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
હાલ અમદાવાદ મેટ્રો દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. પ્રથમ ટ્રેન અંતિમ પરીક્ષણો બાદ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. બાકી રહેલી 9 ટ્રેનો આગામી 5–6 મહિનામાં તબક્કાવાર ઉપલબ્ધ થશે. મેટ્રો ટ્રેન માત્ર પરિવહનનું સાધન નહીં, પરંતુ વિકાસશીલ ગુજરાતની પ્રગતિનું પ્રતીક બની રહેશે.






