હવે જયદીપ શાહ જેઠાલાલની ભૂમિકામાં જોવા મળશે
રવિવારે જેઠાલાલે આણંદમાં ધમાલ મચાવી દીધી. ના ભઈ… તારક મહેતાવાળા જેઠાલાલે નહીં, ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડાના હીરો જેઠાલાલે ધૂમ મચાવી હતી.
હકીકતમાં રવિવારે આણંદના સિંગિંગ ગ્રીન્ઝ રિસોર્ટ ખાતે જેઠાલાલના ભવાડા ફિલ્મનું ધમાકેદાર મુહૂર્ત કરવામાં આવ્યું. જિનિયસ એન્ટરટેઇન્મેંટ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતા છે અમિત કુમાર ગુપ્તા. નિલેશ મહેતાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકાર જયદીપ શાહ.
ફિલ્મ અંગે જણાવતા દિગ્દર્શક નિલેશ મહેતાએ જણાવ્યું કે, જેઠાલાલના ભવાડા ફિલ્મ મોજ મસ્તી અને મનોરંજનનો ટ્રિપલ ડોઝ આપતી ફેફસાંફાડ ગુજરાતી કૉમેડી ફિલ્મ છે.
ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઈ રહ્યું છે કે ફિલ્મની વાર્તા તારક મહેતાના જેઠાલાલ અને બબિતા પર આધારિત છે.
મને પણ આવી વાતો થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. પણ સિરિયલ અને ફિલ્મના જેઠાલાલનું નામ જ સરખું છે. પણ બંને કેરેક્ટર વચ્ચે જમીન આસમાન જેવો તફાવત છે. હા, ફિલ્મમાં પણ પર સ્ત્રી સાથેના સંબંધની વાત આલેખવામાં આવી છે.
અમિત કુમાર ગુપ્તા દ્વારા નિર્મિત જેઠાલાલના ભવાડામાં જયદીપ શાહ ઉપરાંત જીગ્નેશ મોદી, પૂર્વી શાહ, વીણા ટાંક, દર્શન માવાણી, ઝૂમ ઝૂમ, નૈષધ રાવલ અને યુવા કલાકાર જસ્મિન અને વિધિ શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.