28 વરસ બાદ ભારતમાં યોજાયેલી મિસ વર્લ્ડ કૉન્ટેસ્ટમાં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાએ મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. જ્યારે લેબેનોનની યાસ્મીન જેટૂન ફર્સ્ટ રનર અપ બની હતી. જોકે ભારતની સ્પર્ધક સિની શેટ્ટી ટૉપ ફોરની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મિસ વર્લ્ડની ગ્રૅન્ડ ફિનાલે મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. મિસ વર્લ્ડ 2024ના હૉસ્ટની જવાબદારી કરણ જોહર અને પૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગે નિભાવી હતી.
ક્રિસ્ટિનાને મિસ વર્લ્ડનો તાજ 70મી મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી કેરોલિના બિલાવ્સ્કાએ પહેરાવ્યો હતો.
2024ની મિસ વર્લ્ડનો તાજ જીતનાર ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના લૉ અને એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. એ સાથે મૉડેલિંગ પણ કરી રહી છે. વિશ્વ સુંદરી ક્રિસ્ટિના પિસ્જકો નામનું એક ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે. જેના અંતર્ગત અનેક સામાજિક કાર્યો કરી રહી છે. ઉપરાંત તાન્ઝાનિયાની અંડર પ્રિવિલેજ્ડ ભાળકોની સ્કૂલમાં વૉલેન્ટિયર તરીકે પણ કામ કરે છે.
મિસ વર્લ્ડ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ 2022માં ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીતનાર સિની શેટ્ટીએ કર્યું હતું. મૂળ કર્ણાટકની સિનીએ મુંબઈમાં ફાઇનાન્સ અને ઇકાઉન્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરી રહી છે. ભરત નટ્યમ શીખી રહેલી સિની અભિનેત્રી, મૉડેલ, કૉન્ટેક્ટ ક્રિએટર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર એ ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે.
મિસ વર્લ્ડમાં મનોરંજન જગતનાં અનેક કલાકાર ઉપસ્થિત
મિસ વર્લ્ડ 2024ની ગ્રૅન્ડ ફિનાલેમાં બૉલિવુડ અને ટેલિવુડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રૂબિના દિલૈક, દિવ્યાંકા ત્રિપઠી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, ઝન્નત ઝુબેર, કેરીતિ સેનન, પૂજા હેગડે પણ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અગાઉ છ વાર ભારતની સુંદરીઓ મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી ચુકી છે
અત્યાર સુધીમાં ભારત છ વાર મિસ વર્લ્ડનો તાજ જીત્યું છે. સૌપ્રથમ 1966માં રીટા ફારિયાએ આ ક્રાઉન જીતી હતી. ત્યાર બાદ 1994માં ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. એ પછી 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપરાએ તાજ જીત્યો હતો. એ પછી સત્તર વરસે એટલે કે 2017માં માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો તાજ ભારત લઈને આવી હતી.
મિસ વર્લ્ડ ફિનાલેમાં નેહા કક્કડ અને શાનના પરફોર્મન્સ
ગાયક શાને એનાં ગીત તું આજ કી નારી ગાયું હતું. આ ગીત શાને જ કમ્પોઝ કર્યું છે. શાન ઉપરાંત નેહા કક્કડે કાલા ચશ્મા તો ટૉનીએ ધીમ-ધીમે ગાઈને દર્શકોને ખુશ કરી દીધા હતા.
આ અગાઉ 1996માં ભારતમાં યોજાઈ હતી
1996માં બેંગલુરુ ખાતે અમિતાભ બચ્ચનની કંપની અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ)એ મિસ વર્લ્ડનું આયોજન કર્યું હતું. જોકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આયોજિત ઇવેન્ટને અનેક પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં એબીસીએલને ભારે ખોટ સહન કરવી પડી અને અમિતાભ બચ્ચન દેવા ડુંગર નીચે દબાઈ ગયો હતો. 1996ની ઇવેન્ટમાં ગ્રીસની આઇરિન સ્ક્લિવાએ મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.
Comments 1