FedEx Corp. (NYSE: FDX)ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની ફેડએક્સ એક્સપ્રેસને નેશનલ લોજિસ્ટિક્સ એક્સલન્સ એવોર્ડ્ઝમાં બેસ્ટ કાર્ગો એરલાઇન ઓપરેટર તરીકે બિરદાવવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ તથા ટેક્સટાઇલ્સ મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં એનાયત થયો હતો.
નેશનલ લોજિસ્ટિક્સ એક્સલન્સ એવોર્ડ્ઝ એ ભારત સરકારનું એક પ્લેટફોર્મ છે, જે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ઇનોવેશન અને પરિવર્તનને આગળ વધારવા પરિવર્તનનો પવન ફૂંકતી કંપનીઓને બિરદાવે છે. આ એવોર્ડ પ્લેટફોર્મ શ્રેષ્ઠ પ્રેક્ટિસને બહાર લાવે છે, જેના થકી મહામારી દરમિયાન પડકારો ઝીલવામાં સફળતા મળી છે, મજબૂત અને અસરકારક સપ્લાય ચેઇન ઊભી થઈ છે અને ભારતમાં વેપારની વૃદ્ધિને ટેકો મળ્યો છે.
ફેડએક્સ એક્સપ્રેસના ઇન્ડિયા ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ મોહમ્મદ સાયેગે કહ્યું હતું કે, “અમને નેશનલ લોજિસ્ટિક્સ એવોર્ડ્ઝમાં અમારી કાર્યકારી કાર્યદક્ષતા, ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ અને ડિજિટલ પરિવર્તન માટે બેસ્ટ કાર્ગો એરલાઇન ઓપરેટર તરીકે બિરદાવવામાં આવ્યાં છે. અમે આ વિશિષ્ટ એવોર્ડ અને સતત સાથ-સહકાર માટે ભારત સરકારનો આભાર માનીએ છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, “ફેડએક્સમાં અમે સારા સમયમાં અને અતિ જરૂરિયાતના સમયગાળા દરમિયાન દુનિયાને એક તાંતણે જોડી રાખી છે જે અમારા વિશે અને અમારી કામગીરી વિશે બયાન કરે છે. હું આ એવોર્ડ ફેડએક્સ એક્સપ્રેસની સંપૂર્ણ ટીમને સમર્પિત કરું છું, જેમણે મહામારી દરમિયાન વેપાર વાણિજ્યને જાળવી રાખવામાં સતત મહેનત કરી છે અને સાથ-સહકાર આપ્યો છે.”