પતિ અને બાળકો બાદ ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતાં મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ હતી
(પ્રતિકાત્મક તસવીર)
મુંબઈના મધ્ય રેલવેના કલ્યાણ રેલવે સ્ટેશન ખાતે ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા ગર્ભવતી મહિલાએ સંતુલન ગુમાવ્યા બાદ પ્લૅટફૉર્મ પર પડતા સતર્ક આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાને તેને ખેંચી લેતા એક સાથે બે જીવને બચાવી લેવાયા હતા.
કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર ચાર ખાતે સોમવારે સવારના ૬.૦૫ વાગ્યાના સુમારે એલટીટી-ગોરખપુર એક્સપ્રેસ (૦૨૧૬૫) આવતા ભુલથી આ ટ્રેનમાં મહિલા સહિત તેનો પરિવાર ટ્રેનમાં ચઢી ગયો હતો. ટ્રેનમાં ચઢયા પછી તેમને ખબર પડી હતી કે મૂળ ટ્રેન અલગ છે, તેથી તેનો પતિ અને બાળકો પ્લૅટફૉર્મ પર કૂદ્યા હતા. ટ્રેન ઊપડ્યા પછી મહિલાએ પણ ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો, પરંતુ તેને સંતુલન ગુમાવ્યા બાદ પ્લૅટફોર્મ તથા ટ્રેનના ફૂટબોર્ડની ગેપમાં પડી હતી, જે પ્લેટફોર્મ પર ઢસડાઈ હતી. જોકે, એ જ વખતે સતર્ક કોન્સ્ટેબલ (એસ. આર. ખાંડેકર)એ મહિલાને પ્લૅટફૉર્મ પરથી તાત્કાલિક ખેંચી લેતા મહિલાનો જીવ બચી ગયો હતો. બનાવ અંગે પરિવાર પાસેથી વિગત પ્રાપ્ત કરતા મહિલાનું નામ વંદના (આઠ મહિનાની ગર્ભવતી) તથા તેનું પતિ નામનું ચંદ્રેશ હોવાની જાણકારી મળી હતી. જોકે, મુંબઈ એલટીટી-ગોરખપુર ટ્રેનના બદલે બીજી ટ્રેનમાં ચઢી જવાથી ગૂંચવણ ઊભી થઈ હતી, પરંતુ સતર્ક પોલીસ કોન્સ્ટેબલને કારણે મહિલાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી. કોન્સ્ટેબલની સમયસૂચકતાને કારણે ગર્ભવતી મહિલાનો જીવ બચાવી લેતા રેલવે પ્રશાસને કોન્સ્ટેબલની કામગીરીને વખાણી હતી તથા પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ પ્રવાસીઓને ચાલતી ટ્રેનમાંથી ઉતરવા અને ચઢવા સતર્કતા દાખવવાનો અનુરોધ કર્યો હતો.






