યુવાનની કરેલી મારપીટ આવ્હાડને ભારે પડી
મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની એન્જિનિયર અનંત કરમુસેના અપહરણ અને મારપીટ મામલે આજે ધરપકડ કરાયા બાદ જામીન પર છુટકારો થયો હતો. ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડના બંગલા પર તેમના કાર્યકરોએ મૂઢમાર માર્યો હોવાની ફરિયાદ થાણેના યુવાને કરી હતી.
વડાપ્રધાને તમામ ભારતીયોને દીવા પ્રગટાવવાનું આહવાન કર્યું હતું. સમગ્ર દેશવાસીઓએ વડાપ્રધાનના આહવાનને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. જોકે. આવ્હાડે એનો સૌથી પહેલો વિરોધ કર્યો હતો. આને પગલે કાસારવડવલી ખાતે રહેતા યુવકે ફેસબૂક અને ટ્વીટર પર જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ પોસ્ટ લખી હતી. દીવા પ્રગટાવનાર જો મૂરખ હોય તો આખો દેશ મૂરખ છે કે? એવો સવાલ અનંતે કર્યો હતો. એ સાથે જિતેન્દ્ર આવ્હાડનું અશ્લીલ ચિત્ર પણ પોસ્ટ કર્યું હતું.
ત્યાર બાદ યુવાનના જણાવ્યા મુજબ એના ઘરે બે પોલીસ આવ્યા, પોલીસ સ્ટેશન જવાનું છે કહી આવ્હાડના થાણે સ્થિત બંગલે લઈ જવાયો હોવાનું યુવાને જણાવ્યું. આ પોલીસ યુનિફોર્મમાં હતા અને તેમની પાસે રિવોલ્વર પણ હતી.
બંગલા પર પહોંચ્યા બાદ એને ફાઇબર, લાઠી અને લોખંડના સળીયાથી મારવામાં આવ્યો. ત્યારબાદ જિતેન્દ્ર આવ્હાડે પોસ્ટ શું કામ કરી જેવા સવાલો પૂછ્યા.
યુવાનના કહેવા મુજબ એને સખત મારવામાં આવ્યો હોવાથી માફી માગી અને પોસ્ટ ડિલીટ કરી. આમ છતાં આવ્હાડ સામે એને મારવામાં આવ્યો હોવાનું યુવાને જણાવ્યું.
ત્યારબાદ વર્તક નગર પોલીસ સ્ટેશનના પોલીસો બોલાવી અનંતને સોંપી દેવાયો. જોકે પોલીસે એની દશા જોઈ હોસ્પિટલ લઈ જઈ ચકાસણી કરતા એને સખત માર મરાયો હોવાનું જણાવાયું. ત્યારબાદ અનંતે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ અપહરણ અને મારપીટ કરવાની ફરિયાદ નોંધાવી. તો સામા પક્ષે આવ્હાડના કાર્યકર્તાઓએ પણ અનંત વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.