પાણી પુરવઠો બંધ હોવાથી મીરા ભાયાંદરના નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે
મીરા ભાયંદર શહેરનો પાણી પુરવઠો પૂરો પાડતી પાઈપ લાઈનના રિપેરીંગ કામ માટે ૭ થી ૯ ઓક્ટોમ્બર દરમિયાન ૭૮ કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં પાણીની તીવ્ર તંગી સર્જાઈ હતી. પાણીનો પ્રશ્ન દરેક નાગરિકને સ્પર્શતો હોવાથી તમામ પક્ષો દ્વારા વિરોધ દર્શાવી આગામી ચૂંટણીમા તેનો લાભ ખાટવાના પ્રયાસો ચાલુ કર્યા છે. મિરા-ભાયંદરના ભુતપૂર્વ વિધાનસભ્ય અને ભાજપના નેતા નરેન્દ્ર મહેતા દ્વારા પ્રશાસનનો વિરોધ કરવા ૨૧ ઓક્ટોમ્બરના રોજ જન આંદોલન કરવાની જાહેરાત કરી છે.
સ્ટેમ ઓથોરિટી અને એમઆઇડીસી દ્વારા મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પૂરું પાડવામાં આવે છે. સ્ટેમ ઓથોરિટીએ ૮૬ એમએલડી અને એમઆઇડીસી તરફથી ૧૩૫ મિલિયન લિટર પાણી સપ્લાય કરવામા આવે છે. આમ, શહેરને કુલ ૨૧૧ થી ૨૧૩ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓથોરિટી દ્વારા ૭ ઓક્ટોબરના રોજ પાણીની પાઈપ લાઈનનું સમારકામનું કામ હાથ ધરાતા પુરવઠો બંધ કરવામા આવ્યો હતો. જે ૯ ઓક્ટોબરના રોજ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો ત્યારે દેસાઈ ગામ, ખીડકાળી મંદિર, શીલ ફાટા ખાતે લીકેજને કારણે ફરીથી એમઆઇડીસીનો પાણી પુરવઠો બંધ કરવાનો સમય આવ્યો હતો. પરિણામે ૧૧ ઓક્ટોમ્બરના સવારે ૬ વાગે પાણી પૂરવઠો ફરી શરૂ થયો હતો. પરિણામે મીરા ભાઈંદરમાં ત્રણ દિવસ સુધી પાણીનો પુરવઠો સપ્લાય ન થતાં ભારે સમસ્યા સર્જાઈ હતી.
મિરા-ભાયંદરના ભાજપના ભુતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે શહેરમાં એક લાખની જનસંખ્યા વધી હોવા છતા ૨૦૧૯મા જેટલું પાણી આવતું હતું તેના કરતા પણ ઓછો પૂરવઠો પૂરો પડાઈ રહ્યો છે. ત્યારે રિપેરીંગ, પાઈપ તૂટવા અથવા પાવર સપ્લાયને બહાને વારેધડીએ પાણી સપ્લાય બંધ કરવામા આવે છે. ભાજપના મેયર તેમજ નગરસેવકો દ્વારા અનેક વખત વિભાગના મંત્રી તેમજ અધિકારીઓ પાસે ફરિયાદ તેમજ મીટીંગ કર્યા બાદ પણ જનતાને ન્યાય મળ્યો નથી. આથી ૨૧ ઓક્ટોમ્બરે સવારે ૧૦.૩૦ ભાજપ દ્વારા મિરા-ભાયંદરમા જન આંદોલન કરવામા આવશે.