મહારાષ્ટ્ર લૉકડાઉનમાં ૭૯૦ બાળવિવાહ રોકવામાં આવ્યા
લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં બાળવિવાહના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં સૌથી વધુ બાળવિવાહના મામલે મહારાષ્ટ્રનો સમાવેશ ટોચના પાંચ રાજ્યોમાં થાય છે. જોકે, કોરોનાના સંકટને કારણે રાજ્યમાં ૭૯૦ બાળવિવાહને રોકવામાં આવ્યા હોવાનું મહિલા બાળ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું. લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં બાળવિવાહના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
સોલાપુર જિલ્લામાં ૧૮ વર્ષથી નાની વયની સગીરાઓના ૮૮ લગ્ન રોકવામાં આવ્યા હતા, જ્યારે ઔરંગાબાદમાં ૬૨, ઓસ્માનાબાદમાં ૪૫, નાંદેડમાં ૪૫, યવતમાળમાં ૪૨ અને બીડ જિલ્લામાં આવા ૪૦ લગ્નને થતાં અટકાવવામાં આવ્યા હતાં. બાળવિવાહના મામલે નાગરિકોમાં જાગરૂકતા લાવવા માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન યશોમતી ઠાકુર દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સહકાર આપી રહેલી યુનિસેફ અનુસાર, કોરોનાકાળમાં સામાન્ય નાગરિકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઇ છે. સ્કૂલ-કૉલેજ, મિત્રો સાથે મળવાનું તથા રમતગમત બંધ થઇ હોવાને કારણે ગરીબીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી બાળવિવાહને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત કોરોનાને કારણે બેરોજગારી અને મહામારીને માતા-પિતા ગુમાવનારી સગીરાને પરણાવવા માટે તેના સગાસંબંધીઓ તરફથી બળજબરી કરવામાં આવી રહી હોવાની ઘટના બની રહી છે. યુનિસેફ મહારાષ્ટ્રના પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૮માં રાજ્યમાં બાળવિવાહનું પ્રમાણ ૪૭.૭૦ ટકા હતું, જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૨૧.૯૦ ટકા થયું હતું. વર્ષ ૨૦૩૦ સુધીમાં મહારાષ્ટ્ર બાળવિવાહથી મુક્ત થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે






