અનુભવની યુનિવર્સિટી તરીકે જાણીતા ગુજરાતના વિખ્યાત કલાકાર અને ગુજરાતી સંગીત નાટ્ય અકાદમીના ભૂતપૂર્વ પ્રમુખ જિતેન્દ્ર ઠક્કરે એક મહાઅભિયાન શરૂ કર્યું છે. કોરોના મહામારી દરમિયાન અમલમાં મુકાયેલા લૉકડાઉનના સમયમાં તેમણે દેશ-વિદેશમાં વસતા ગુજરાતી કલાકાર-કસબીઓની ડિરેક્ટરી બનાવવાનું બીડું ઝડપ્યું છે.
કલાસેતુના નામે બની રહેલી ડિરેક્ટરી અંગે જણાવતા જિતેન્દ્ર ઠક્કરે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ગુજરાતી કલાકારોની ડિરેક્ટરી બનાવવાની શરૂઆત 1998માં કરી હતી. ત્યાર બાદ દર બે વરસે એને અપડેટ કરતો હતો. જોકે આર્થિક દૃષ્ટીએ પરવડતું ન હોવાથી 2012 બાદ નવી એડિશન બહાર પાડવાનું બંધ કર્યું. પરંતુ છેલ્લા થોડા વરસથી અનેક મિત્રો ડિરેક્ટરી ફરી પ્રસિદ્ધ કરવાનો આગ્રહ કરવાની સાથે પૂરો સહયોગ આપવાનું પણ જણાવ્યું. એટલે મિત્રોના આગ્રહને વશ થઈ કલાસેતુને નવા અવતારમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું.
મર્યાદિત બજેટમાં ડિરેક્ટરી તૈયાર કરવાની હોવાથી શરૂઆતમાં સાદા કાગળ પર બ્લૅક એન્ડ વ્હાઇટમાં પ્રસિદ્ધ કરી હતી. પરંતુ 2012માં કલરફુલ ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવાનો ખર્ચ બે લાખ રૂપિયા જેટલો થયો હતો. એમાં લગભગ 800 જેટલા કલાકારોનો સમાવેશ કરાયો હતો. તમને નવાઈ લાગશે પણ આ ડિરેક્ટરીનો ઉપયોગ હજુ પણ મુંબઈ-ગુજરાતના ફિલ્મ સર્જકો કરી રહ્યા છે.

દિવાળીના શુભ અવસરે રિલીઝ થનારી ડિરેક્ટરીમાં અમે માત્ર ગુજરાતના જ નહીં, ભારતના તમામ રાજ્યો સહિત વિદેશમાં વસતા ફિલ્મ, સિરિયલ, નાટકના ગુજરાતી કલાકારોનો સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ત્રણેય ક્ષેત્રના કસબીઓ (ટેક્નિશિયન)નો પણ સમાવેશ કરવાનો નિર્ણય કલાસેતુની ટીમે લીધો છે.
આ વખતે અમે ઑનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે કોઈ કલાકાર-કસબીને તેમનું નામ રજિસ્ટર કરાવવું હોય તેઓ https://docs.google.com/forms/d/e/1FAIpQLSfudfYV1gFFL5dlldaTtuGoe-OPQ661F10mEqyDtASEWy2Ddg/viewform પર જઈ તમામ વિગતો ભરી ફોર્મ સબમિટ કરી શકે છે. નામ નોંધાવવા માટેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ હોવાનું જિતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું.
ડિરેક્ટરીમાં માત્ર કલાકાર-કસબીઓના નામનો જ સમાવેશ કરાશે કે ફિલ્મ જર્નલિસ્ટ અને ગુજરાતી અખબારોની યાદી પણ પ્રસિદ્ધ કરશો?
તમે ઘણું સારૂં સૂચન કર્યું, અમે કમિટીના સભ્યો આ અંગે ચર્ચા કરી પત્રકાર મિત્રોના નામનો સમાવેશ કરવા અંગેનો નિર્ણય લઇશું. ઉપરાંત ગુજરાતી અખબારોની વિગતો આપવાનો પણ પ્રયાસ કરશું.
તમને ડિરેક્ટરી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો પ્રશ્નના જવાબમાં જિતેન્દ્ર ઠક્કરે જણાવ્યું કે, મુંબઈથી પ્રસિદ્ધ થતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટરી સ્ક્રીન વર્લ્ડના પ્રકાશક-તંત્રી રાજેન્દ્ર ઓઝા ગુજરાતના કલાકારોની વિગતો મેળવવાની જવાબદારી મને સોંપી હતી. એ સમયે મને થયું કે આ પ્રકારની ગુજરાતી કલાકારોની ડિરેક્ટરી પ્રસિદ્ધ કરી હોય તો કલાકારો અને ફિલ્મ સર્જકોને ઘણો લાભ થઈ શકે છે. મારા વિચારને મિત્રોએ વધાવી લીધો અને 1998માં પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરી.
તમારા આ ભગીરથ કાર્યને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
તમને નવાઈ લાગશે પણ દિવાળીના અવસરે પ્રકાશિત થનારી ડિરેક્ટરીમાં મુંબઈ, ગુજરાત સહિત દેશ-વિદેશના બે-અઢી હજાર કલાકાર-કસબીઓના નામ-સરનામા-જન્મ તારીખ-ફોન નંબર-ઇ-મેલ એડ્રેસ વગેરેની માહિતી હશે.