અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાનો ચુકાદો લાંબા અરસા બાદ આવ્યો છે. આજના આ ઐતિહાસિક ચુકાદામાં દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે અગિયાર દોષીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. એ સાથે મૃતકોને એક લાખ રૂપિયાનું તો ઇજાગ્રસ્તોને પચાસ હજારનું વળતાર આપવાનો પણ આદેશ આપ્યો હતો. જ્યારે સામાન્ય ઇજા થઈ હોય તેમને પચીસ હજાર રૂપિયાનું વળતર ચુકવવાનું પણ આદેશમાં જણાવાયું છે.
2008માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ગયા અઠવાડિયે ચુકાદો આપ્યા બાદ 18 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરવાનું કોર્ટે જણાવ્યું હતું. લગભગ ચૌદ વરસ ચાલેલા કેસના અંતે કોર્ટે 49 આરોપીને બ્લાસ્ટ મામલે દોષી જાહેર કર્યા હતા. જ્યારે 28ને પુરાવાના અભાવે છોડવામાં આવ્યા.
સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં થયેલી જાનમાલની ખુવારી
દોષીઓના સજાના મામલે કોર્ટે સુનાવણી શરૂ કરી ત્યારે તમામ આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં સામેલ થયા હતા. કોર્ટે 8 ફેબ્રુઆરીએ કરેલી સુનાવણીમાં 49 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા જ્યારે 28ને પુરાવાના અભાવે ઠોડવાનો આદેશ આપ્યો હતો. દોષી પુરવાર થયેલા આરોપીઓની સજા મામલે 15 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટે બચાવ પક્ષના વકીલો અને પ્રોસીક્યુશનની દલીલો સાંભળી હતી.
સ્પેશિયલ કોર્ટ બહારની સુરક્ષા
ઉલ્લેખનીય છે કે, 6 જુલાઈ 2008ના અમદાવાદના વીસેક જેટલા વિસ્તારમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 વ્યક્તિ મૃત્યુ પામી હતી અને વસોથી વધુ ઘાયલ થયા હતા. આ મામલે અમદાવાદમાં વીસ અને સુરત ખાતે પંદર એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ શંકાના આધારે 99ની અટક કરવામાં આવી હતી. એમાંથી 82 વિરૂદ્ધ પુરાવા મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે 14 વરસે આવેલા ચુકાદામાં 49ને દોષી જાહેર કરાયા હતા. જ્યારે 28ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પતા બાળકો (તમામ તસવીરો સોશિયલ મીડાયા પરથી સાભાર)
2008માં સિરિયલ બટમ્બ બ્લાસ્ટ થયા ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કેસની તપાસ માટે હાઇ લેવલ ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ઓગણીસ દિવસમાં જ 30 આરોપીને ઝડપી લીધા હતા. ત્યાર બાદ અન્યોની ધરપકડ કરવામાં આવી હતી. સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસ સ્પેશિલ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોના મહામારી દરમિયાન પણ કેસની રોજેરોજ સુનાવણી થઈ રહી હતી.