પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક મુસાફરી મળે તે હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી તથા બાંદ્રા ટર્મિનસ–અમૃતસર વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ અંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનિત અભિષેકે સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરી છે.
મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી રૂટ પર ચાલનારી ટ્રેન નંબર 04001/04002 કુલ 8 ફેરા કરશે. ટ્રેન નંબર 04001 મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11:30 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે સાંજે 8:50 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. આ ટ્રેન 21, 24, 27 અને 30 ડિસેમ્બર, 2025ના રોજ દોડશે. જ્યારે રિટર્ન ટ્રેન 04002 નવી દિલ્હીથી રાત્રે 10:40 વાગ્યે નીકળશે અને બીજા દિવસે રાત્રે 9:00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 20, 23, 26 અને 29 ડિસેમ્બર, 2025ના રોજ ચાલશે. બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી અને મથુરા સ્ટેશનો પર સ્ટોપ રહેશે.
તે જ રીતે બાંદ્રા ટર્મિનસ–અમૃતસર રૂટ પર ટ્રેન નંબર 04695/04696 કુલ 4 ફેરા કરશે. ટ્રેન 04695 બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:00 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સાંજે 8:30 વાગ્યે અમૃતસર પહોંચશે, જ્યારે રિટર્ન ટ્રેન 04696 અમૃતસરથી સવારે 4:20 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનોમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 04001 અને 04695ની બુકિંગ 20 ડિસેમ્બર, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.






