પાલીતાણા ચોકડી નજીક ભવ્ય મંદિર માટે ભૂમિપૂજન, જ્ઞાતિજનોએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ
તળાજામાં સ્થિત તુળજા ભવાની માતાજીનું પ્રાચીન મંદિર વર્ષોથી જ્ઞાતિજન માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. લોકવાયકા મુજબ આ મંદિર રાજવી એભલજીવાળાના સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંથી ઓનલાઈન આરતીનું લાઈવ પ્રસારણ થતું હોવાથી ભાવનગર જિલ્લામાં આ એક આગવું સ્થાન ધરાવે છે.
સમાજના વધતા વ્યાપ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલની નાની જગ્યાને બદલે વિશાળ જગ્યા પર નવા મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો. પાલીતાણા ચોકડી નજીક ખરીદાયેલી આ નવી જગ્યા પર ભવ્ય મંદિર ઊભું કરવામાં આવશે.
ભૂમિપૂજન પ્રસંગે વહેલી સવારે જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન-અર્ચન કરીને ભૂમિ ખોદકામનો પ્રારંભ કે.આર.કે. ભટ્ટ તથા રાકેશભાઈ (સિકંદરાબાદ પરિવાર)ના હસ્તે કરવામાં આવ્યો હતો.
મંદિર નિર્માણ માટે “સુવર્ણ કળશ યોજના” અને “રજત કળશ યોજના”ને જ્ઞાતિજનોએ ઉત્સાહભેર સ્વીકારી હતી. કમિટીની નવી પહેલરૂપે સહભાગીઓને માતાજીનો ચાંદીથી મઢેલો દિવ્ય ફોટો ભેટ આપવામાં આવ્યો હતો, જેને વિશેષ પ્રશંસા મળી.
એકસરખા પહેરવેશમાં ઉપસ્થિત રહેલા કમિટી સભ્યોએ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ટૂંક સમયમાં મંદિર નિર્માણ કાર્ય શરૂ થશે અને સાથે જ ધાર્મિક કાર્યક્રમો માટે વિશાળ વાડી બનાવવાની યોજના પણ અમલમાં આવશે.






