બગદાણા ધામના પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રીબજરંગદાસ બાપાની ૪૯મી પુણ્યતિથિના પાવન અવસરે મીરારોડ સ્થિત બાપા સીતારામ મઢુલીમાં ભક્તિ, ભાવ અને આસ્થા સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંગળવાર, તા. ૬ જાન્યુઆરી ૨૦૨૬ના શુભ દિવસે યોજાયેલા આ પુણ્યતિથિ મહોત્સવે વહેલી સવારે ગુરુ પૂજનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. બપોરે આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે ૨થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી ભજન સંધ્યા, સંતવાણી અને ડાયરોનું ભાવભર્યું આયોજન થયું, જેમાં સંતોની વાણી અને ભજનો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

સાંજે મહા આરતી અને ત્યારબાદ મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી અનિલ વિરાણી, રાજુભાઈ લીંબાણી તથા મીરારોડ બાપા સીતારામ મઢુલીના સમર્પિત કાર્યકરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
આ પુણ્યતિથિ મહોત્સવ ભક્તો માટે આધ્યાત્મિક પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો અને બાપાના ઉપદેશોને સ્મરણ કરવાનો અવસર પૂરો પાડ્યો હતો.






