‘દાંડિયા ક્વીન’ ના નામથી વિખ્યાત ફાલ્ગુની પાઠક સતત છઠ્ઠી વાર બોરિવલીમાં શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે. લોકલાગણીને માન આપીને ફરી એકવાર ફાલ્ગુની પાઠક ગુજરાતીઓની બહુમતી ધરાવતા બોરિવલીવાસીઓને તેના મધુર અવાજના જાદુથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. 2016થી સતત ફાલ્ગુની બોરિવલીના નવરાત્રિ કાર્યક્રમોમાં ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરતી આવી છે. બોરિવલી ખાતે આવેલા સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે દાંડિયા ક્વીનની નવરાત્રિ થશે.

બોરિવલીમાં શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ફાલ્ગુની પાઠકે પત્રકારોને જણાવ્યું કે ગરબા રસિકો માટે ગયા વર્ષે અમે નવું ગીત પ્રસ્તુત કર્યું હતું. આ વર્ષે મંચ પરથી શું નવું કરશું તે હાલ સસ્પેન્સ રાખવા માંગીએ છીએ, પણ એક વાત નક્કી છે કે ગરબે ઘૂમનાર ખેલૈયાઓને જલસો પડશે. આ પ્રસંગે હું વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવમાં તમામ ગુજરાતીઓનું સ્વાગત કરું છું.
આ પત્રકાર પરિષદમાં હાજર ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ઉત્તર મુંબઈનું સૌભાગ્ય છે કે બોરિવલીમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સતત છઠ્ઠી વખત પરફોર્મ કરી રહી છે. આજના બદલાતા સમયમાં જ્યારે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ સુદ્ધાં વહેલામાં વહેલી તકે બદલી નાખે છે ત્યારે ફાલ્ગુની પાઠકનો ક્રેઝ હજી લોકોના દિલ અને દિમાગ પર છવાયેલો છે. આ એ વાતની સાબિતી આપે છે કે અહીંની નવરાત્રિમાં સંગીત સાથે ધર્મનો સમન્વય અને શુભ મિલન છે.
આ પ્રસંગે ગોપાલ શેટ્ટીએ સરકારને આ વરસે નવરાત્રિ ઉત્સવ 4 દિવસ રાત્રે બાર વાગ્યા સુધી રમવાની છૂટ આપવા વિનંતી કરી છે.
આ નવરાત્રિ ઉત્સવના આયોજક સંતોષ સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કોઈ પણ આયોજન એક જ આર્ટિસ્ટ અને એક જ આયોજક સાથે માત્ર અને માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં લોકો સહભાગી હોય. અમને વિશ્વાસ છે કે ગત પાંચ વર્ષથી લોકોનો જે પ્રેમ મળ્યો છે તે આ વર્ષે પણ મળશે. ચાલુ વર્ષે અમે ચેરિટીમાં કેન્સર પીડિતો માટે 21 લાખ રૂપિયાનું ડોનેશન આપવાનો સંકલ્પ કર્યો છે.






