બિગ બિઝનેસ કાઉન્સિલ દ્વારા મુંબઈમાં બ્રિલિયન્ટ એવોર્ડ્સ સીઝન 4નું ભવ્ય આયોજન;
પદ્મ ભૂષણ કુંદન વ્યાસને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત
મુંબઈ: સમાજમાં પોતાની પ્રતિભા, નેતૃત્વ અને અસાધારણ યોગદાનથી આગવી ઓળખ ઊભી કરનાર વ્યક્તિત્વોને બિરદાવવાનો એક યાદગાર અવસર મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયો હતો. બિગ બિઝનેસ કાઉન્સિલ (BBC) દ્વારા ઇન્ડિયા ફાઇન આર્ટ્સ કાઉન્સિલ અને ઝીલસ બેવીના સહયોગથી આયોજિત ‘બ્રિલિયન્ટ એવોર્ડ્સ સીઝન 4’માં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહનું વિશેષ આકર્ષણ પદ્મ ભૂષણથી સન્માનિત વરિષ્ઠ પત્રકાર અને જન્મભૂમિ ટ્રસ્ટના CEO શ્રી કુંદન વ્યાસને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવાનો પ્રસંગ રહ્યો હતો. મુખ્ય અતિથિ શ્રીમતી મંજુ લોઢાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝારખંડના મુખ્યમંત્રીના OSD અમિત તિવારી તથા એર ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર અમોદ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ સમારોહમાં જમશેદ મિસ્ત્રી, વિશ્વાસ મોટ્ટે, રેખા નિગમ, ગુરબીર સિંહ ચાવલા, પ્રિયંકા પારેખ, નીલા સાંઘવી, મનવા નાઈક, સ્વાતિ ચૌહાણ, સુરેશ મિત્તલ, વિશાલ આહુજા સહિત કુલ 26 જેટલી પ્રતિભાઓને વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી.
BBCના સ્થાપક ડિરેક્ટર્સ હરેશ મેહતા અને ડૉ. અલકા વાલાવલકરે જણાવ્યું હતું કે બ્રિલિયન્ટ એવોર્ડ્સ માત્ર સન્માન સમારોહ નથી, પરંતુ સંઘર્ષ, સિદ્ધિ અને સમાજસેવાની પ્રેરણાદાયી સફરને બિરદાવતું મંચ છે. નેટવર્કિંગ, સહયોગ અને સામૂહિક વિકાસની ભાવનાને પ્રોત્સાહન આપતા આ આયોજનમાં સમાજના સાચા નાયકોને મળેલું સન્માન વિશેષ યાદગાર બની રહ્યું હતું.





