નવી દિલ્હી: ભારતીય નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. દેશની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને નવી દિશા આપવાના સંકલ્પ સાથે એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન (PVSM, AVSM, VSM) એ 31 મે, 2026ના રોજ ભારતીય નૌકાદળના 27મા ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

લગભગ ચાર દાયકાની ઉજ્જવળ અને સમૃદ્ધ કારકિર્દી ધરાવતા એડમિરલ સ્વામીનાથન ભારતીય નૌકાદળના અનુભવી અને પ્રતિભાશાળી અધિકારીઓમાં સ્થાન ધરાવે છે. તેમણે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનો કાર્યભાર સંભાળ્યો છે, જેમણે 41 વર્ષની વિશિષ્ટ સેવા બાદ નિવૃત્તિ લીધી છે.

1 જુલાઈ, 1987ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન મેળવનાર એડમિરલ સ્વામીનાથન કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વૉરફેર ક્ષેત્રના નિષ્ણાત છે. પોતાના લાંબા સેવાકાળ દરમિયાન તેમણે INS વિદ્યુત, INS વિનાશ, INS કુલિશ, INS મૈસૂર અને દેશના ગૌરવ સમાન એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય સહિત અનેક મહત્વપૂર્ણ યુદ્ધજહાજોનું સફળ નેતૃત્વ કર્યું છે.
પશ્ચિમી નૌકાદળના ફ્લીટ કમાન્ડરથી લઈને વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ જેવી અતિ મહત્ત્વની જવાબદારીઓ તેમણે સફળતાપૂર્વક નિભાવી છે.
રાષ્ટ્રીય રક્ષા અકાદમી (NDA) સહિત ભારત, બ્રિટન અને અમેરિકા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષણ મેળવેલા એડમિરલ સ્વામીનાથન ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. તેમની વિશિષ્ટ સેવાઓ બદલ તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતીય નૌકાદળના નવા વડા તરીકે તેમની નિમણૂક દેશની દરિયાઈ સુરક્ષા અને આધુનિક નૌકાદળ નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.






