ભારતના ચૂંટણી આયોગે દેશભરમાં મતદાર યાદીઓને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે Special Intensive Revision (SIR) ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘેરઘેર જઈ મતદારોની ચકાસણી કરવામાં આવશે. જોકે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને હાલ આ પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
ચૂંટણી આયોગ અનુસાર આ વિસ્તારોમાં બરફીલા હવામાન, ઊંચા પહાડી વિસ્તારો અને જનગણનાના બીજા તબક્કાની કામગીરીને ધ્યાનમાં રાખીને SIRનો કાર્યક્રમ પાછળ ધકેલવામાં આવ્યો છે. પરિસ્થિતિ અનુકૂળ બન્યા બાદ ત્યાં અલગથી સમયપત્રક જાહેર કરવામાં આવશે.
આ વિશાળ અભિયાન માટે દેશભરમાં આશરે 3.94 લાખ બૂથ લેવલ ઑફિસર (BLOs) ને મેદાને ઉતારવામાં આવશે, જે લગભગ 36.73 કરોડ મતદારોના ઘરે જઈ ચકાસણી કરશે. ખાસ કરીને દિલ્હી માટે આ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જ્યાં 7 ઓક્ટોબરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દેશના તમામ મતદારોને ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લેવા અને Enumeration Form ભરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર લાયક મતદારોના નામ જ યાદીમાં રહે અને ગેરલાયક નામો દૂર થાય તે સુનિશ્ચિત કરવાનો છે.






