પૂર્વ સાંસદ ગોપાળ શેટ્ટીના પત્ર બાદ MMRDAએ આપી મહત્વપૂર્ણ જાણકારી
મુંબઈના પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અંધેરી (પૂર્વ)થી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (T2) સુધી વિસ્તરતી મેટ્રો લાઇન-7A અંગે પૂર્વ સાંસદ ગોપાળ શેટ્ટી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં MMRDAએ મહત્વપૂર્ણ અપડેટ આપી હતી.

ગોપાળ શેટ્ટીએ MMRDAના સીઈઓ સંજય મુખર્જીને પત્ર લખી મેટ્રો લાઇન 7Aના કામની હાલની સ્થિતિ અને મેટ્રો સેવા ક્યારે શરૂ થશે તેની માહિતી માંગી હતી. તેના જવાબમાં MMRDAએ જણાવ્યું છે કે અંધેરી (પૂર્વ)થી CSMIA-T2 સુધી મેટ્રો લાઇન-7Aનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
આ પ્રોજેક્ટનો એલિવેટેડ ભાગ AAI કોલોની નજીકથી શરૂ થાય છે અને સહાર એલિવેટેડ રોડને અનુસરી આગળ વધે છે. ત્યારબાદ રૂટ ભૂગર્ભ બની સીધો T2 ટર્મિનલ સુધી પહોંચશે, જ્યાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.
MMRDAના મેટ્રો પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટના કાર્યકારી ઈજનેર નિલેશ મહાલેએ મોકલેલા પત્રમાં જણાવાયું હતું કે જમીન અધિગ્રહણ, પુનર્વસન, વૃક્ષ છટણીની મંજૂરી, ડાયવર્ઝન તેમજ ટનલિંગ દરમિયાન કઠોર ખડકો જેવી સમસ્યાઓને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. જોકે હવે મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં લગભગ 69 ટકા સિવિલ વર્ક પૂર્ણ થયું છે અને બાકીનું કામ 31 ડિસેમ્બર 2026 સુધી પૂરું કરવાની યોજના છે. જો બધું સમુસૂતરું પાર પડશે તો મેટ્રો લાઇન-7Aનું સંચાલન સપ્ટેમ્બર 2027થી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.






