ક્યારેક ભક્તિ માત્ર પ્રાર્થના નથી રહેતી… તે એક અડગ સંકલ્પ બની જાય છે, જે અંતે ભગવાનને પણ ઝુકાવી દે છે. વિરાર પશ્ચિમના હરિયાળા પર્વતો અને કુદરતના ખોળે એક દિવ્ય ચમત્કાર સર્જાયો છે, જ્યાં દ્વારિકાધીશ સ્વયં સિંહાસન પર બિરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. અહીં ડગલે ને પગલે શ્રદ્ધા, પ્રેમ અને અખંડ વિશ્વાસની સુગંધ પ્રસરી રહી છે.
કુદરતના ખોળે સર્જાયું દ્વારિકાનું જીવંત સ્વરૂપ
જો દ્વારકા જઈ શકતા ન હોય તો વિરારનું આ ધામ તમારી આત્માને દ્વારિકા સુધી લઈ જાય છે. અરવલ્લી પર્વતની ગોદમાં સ્થિત આ મંદિર જાણે ભૂમિ પર ઉતરેલા સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

૫૬ પવિત્ર પગથિયાં ચઢતાં જ ગણપતિ અને બાલકૃષ્ણના દર્શન થાય છે, અને પછી સિંહાસન પર બિરાજમાન દ્વારિકાધીશની દિવ્ય મૂર્તિ આત્માને પરમ શાંતિ અર્પે છે. મંદિર પરિસરમાં વિશાળ સ્ફટિક શિવલિંગ, એકવીરા માતા અને શિખર પર શક્તિમાતાની ઉપસ્થિતિ ભક્તિને પૂર્ણતા આપે છે.
પ્રદક્ષિણામાં શ્રીકૃષ્ણના ૧૦૮ નામ અને ૧૮ જીવનલીલા દર્શન થાય છે… જાણે દરેક પગલે જપમાળા પૂર્ણ થતી હોય. ગોવર્ધન પર્વતની પરિક્રમા માર્ગમાં વ્રજભૂમિની પવિત્ર માટી ભક્તોને શ્રીકૃષ્ણની લીલાઓ સાથે જોડે છે.

પ્રવિણાબેનની અડગ ભક્તિ – ૧૨ વર્ષનો ત્યાગ
આ દિવ્ય યાત્રાની પાછળ છે એક મહિલા પ્રવિણાબેન ઠાકુરની અખંડ ભક્તિ… છેલ્લા ૨૫ વર્ષથી દ્વારિકાધીશના દર્શનનો નિયમ રાખનાર પ્રવિણાબેને એક દિવસ વિચાર્યું, “જો હું દ્વારકા ન જઈ શકું તો?”
અને ત્યાંથી શરૂ થયો એક સંકલ્પ…
જ્યારે જમીન મેળવવામાં અનેક અડચણો આવી, ત્યારે તેમણે ભગવાનને પ્રણ કર્યો…

“જ્યાં સુધી તમે અહીં નથી આવતાં, ત્યાં સુધી હું શણગાર અને સોનાના આભૂષણનો ત્યાગ કરીશ.”
૧૨ વર્ષ સુધી આ ત્યાગ જાળવી રાખ્યો. અંતે ભક્તની આ અડગ દીવાનગી સામે દ્વારિકાધીશ પ્રસન્ન થયા અને ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ વિરારમાં પ્રાણપ્રતિષ્ઠા સાથે બિરાજમાન થયા.
આરતી, શાંતિ અને દિવ્ય અનુભવ

આ મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, આ તો આત્મા-પરમાત્માના મિલનનું અલૌકિક સ્થળ છે. સવાર, સાંજ અને રાત્રે ગુંજતા ભજન અને આરતી મનને પરમની શાંતિ અર્પે છે.
સંધ્યાકાળે આથમતો સૂર્ય અને રાત્રિની ઝગમગતી રોશનીમાં મંદિર જાણે સ્વર્ગમાં આવ્યા હોય એવી અનુભૂતિ કરાવે છે. ખાસ કરીને રાત્રે ૯ વાગ્યાની શયન આરતીમાં ભક્તિનો પરમ આનંદ અનુભવાય છે.
પ્રેમ, સંઘર્ષ અને ભક્તિની પ્રેરક ગાથા
પ્રવિણાબેન અને હિતેન્દ્રભાઈની જીવનયાત્રા પણ કોઈ ફિલ્મી કથાથી ઓછી નથી. કૉલેજના દિવસોમાં જન્મેલો પ્રેમ સમાજના વિરોધ વચ્ચે પરિણીત થયો, પરંતુ અંતે પરિવારના આશીર્વાદથી પૂર્ણતા પામ્યો.
આજે આ જ પ્રેમ અને ભક્તિનું સંયોજન વિરારના આ દિવ્ય મંદિર રૂપે પ્રગટ્યું છે.
ભવિષ્યની સેવા અને ભક્તિનો સંકલ્પ

મંદિર માત્ર દર્શન સુધી મર્યાદિત નથી, અહીં ધર્મશાળા, વૃદ્ધાશ્રમ અને અનાથઆશ્રમ બનાવવાનો પણ સંકલ્પ છે. મંદિર પરિસરમાં કૃષ્ણને પ્રિય એવા કદંબ, પારિજાત જેવા વૃક્ષોના રોપણથી કુદરતને પણ પવિત્ર બનાવવામાં આવી રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કૃષ્ણના પરમ ભક્ત એવાં પ્રવિણાબેન રચિત ભજન, કવિતાઓ અને આધ્યાત્મિક રચનાઓ હવે ડિજિટલ માધ્યમો દ્વારા પણ ભક્તિરસ ફેલાવી રહી છે.
અંતિમ સંદેશ

વિરારનું આ દ્વારિકાધીશ ધામ માત્ર એક મંદિર નથી… તે ભક્તિની જીતનું જીવંત પ્રતીક છે.
અહીં આવો… એકવાર દર્શન કરો…
કદાચ તમે પણ અનુભવશો કે
જ્યાં શ્રદ્ધા અડગ હોય, ત્યાં ભગવાને ભક્તને મળવા આવવું જ પડે છે…






