રાજ્ય સરકારે આવકના સ્રોત વધારવા પાંચ સભ્યોની કમિટી નિયુક્ત કરી છે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાડકી બહીણ સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. આને કારણે રાજ્યની તિજોરી પર ભારે બોજ આવે એ સ્વાભાવિક છે. રાજ્યની તિજોરી પરનું ભારણ મહારાષ્ટ્રના દારૂ પ્રેમીઓ પર આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર તિજોરી પરનો બોજ ઘટાડવા માટેની ઉપાય યોજનાઓ શોધી રહી છે. આના અંતર્ગત રાજ્યની મહાગઠબંધન સરકાર આગામી દિવસોમાં દારૂ અને સિગારેટ પર ટેક્સ વધારી શકે છે.
રાજ્ય સરકારે આવક વધારવાના નવા સ્રોત શોધવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ અંગેની જાહેરાત મુખ્ય પ્રધાને ચંદ્રપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરી હતી. આ કમિટી દારૂના ઉત્પાદન અને વેચાણ પર કેવી રીતે ટેક્સ લગાવી શકાય તેની શક્યતાનો અભ્યાસ કરશે.
ગૃહ વિભાગના અધિક સચિવની અધ્યક્ષતામાં બનેલી સમિતિ આવક વધારવા માટે રાજ્યની દારૂની નીતિનો અભ્યાસ કરશે. સમિતિમાં નાણા અને રાજ્ય આબકારી વિભાગોના અધિક સચિવ, રાજ્ય જીએસટી કમિશનર અને આબકારી કમિશનર આ સમિતિના સભ્યો હશે.
સમિતિ દારૂનું ઉત્પાદન, દારૂના વેચાણના લાઇસન્સ, આબકારી જકાત અને મહેસૂલ વસૂલાતની પદ્ધતિઓ તથા અન્ય રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી નીતિઓનો અભ્યાસ કરશે. આ સમિતિ રાજ્યની મહેસૂલી આવક વધારવાના પગલાં અંગે ભલામણો કરે તેવી અપેક્ષા છે. આ સાથે રાજ્ય સરકાર દારૂના ગેરકાયદે વેચાણને અટકાવવા અને લાયસન્સના આધારે મહત્તમ દારૂનું વિતરણ કરવા માગે છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ મોટી જાહેરાતો કરી છે. મહાયુતિએ ચૂંટણી પહેલા ઘણા વચનો પણ આપ્યા હતા. જેમાં લાડકી બહીણ અને એના જેવી અન્ય યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. હવે રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બની હોવાથી ચૂંટણી વખતે આપેલા વચનો પૂરા કરવા પડશે. લાડકી બહીણ સ્કીમનું ઉદાહરણ લઈએ તો આ યોજના માટે દર વર્ષે ૪૬,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે.
એમાંય, રાજ્ય સરકાર લાડકી બહીણ યોજના હેઠળ આપવામાં આવતી રકમને રૂ. ૧,૫૦૦ થી વધારીને ૨,૦૦૦ કરવા માટે વધારાના રૂ. ૬૦૦ કરોડની જરૂર પડશે. આ સાથે સરકારને મફત વીજળી અને લોન માફી જેવી યોજનાઓ લાગુ કરવા માટે પણ નાણાંની જરૂર છે. રાજ્યનું દેવું 8 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે, તેથી રાજ્ય સરકારે યેનકેન પ્રકારેણ આવક વધારવી પડશે.