હીટ વેવ ને કારણે લોકો તો હેરાન થઈ રહ્યા છે તો લોડ વધવાને કારણે ટ્રાન્સફોર્મર પણ ગરમ થઈ રહ્યા હોવાથી પ્રશાસને અજમાવી અનોખી તરકીબ
દેશના અનેક રાજ્યોમાં હીટ વેવ હાહાકાર મચાવી રહ્યો છે. ગરમીને કારણે માત્ર લોકો જ નહીં, પશુ પક્ષીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમી એટલી છે કે વીજળીની ડિમાન્ડ વધવાને કારણે ટ્રાન્સફોર્મર પર પણ લોડ વધી ગયો છે. આને કારણે એ પણ ગરમ થવા લાગ્યા છે. જો ટ્રાન્સફોર્મર વધુ પડતાં ગરમ થાય તો એમાં આગ લાગી શકે છે. આવી હોનારત ટાળવા પ્રશાસને એક અનોખી તરકીબ અજમાવી છે.
નાગપુરમાં ટ્રાન્સફોર્મરને ઠંડા રાખવા કોલેરનો ઉપયોગ થઈ રહ્યો છે. વધુ પડતી ગરમીને કારણે ટ્રાન્સફોર્મર ને ઝટકો ન લાગે અને વીજ પુરવઠો નિયમિત રહે, મહાવિતરણ ની લાઈન ટ્રિપ ન થાય એ માટે મહવિતરણ સાવચેતીના પગલારૂપે કૂલરનો ઉપયોગ કરી રહ્યું છે.
ભીષણ ગરમીમાં ટ્રાન્સફોર્મર ટ્રિપ થવાની અને વીજ પુરવઠો ખંડિત થવાની શક્યતા રહે છે. ટ્રાન્સફોર્મર અને એમાં રહેલા ઓઈલને ઠંડું રાખવા નાગપુર ખાતે વીજ વિતરણ સ્ટેશનના મોટા ટ્રાન્સફોર્મર પાસે કૂલર મૂકવામાં આવ્યા છે, જેથી એનું તાપમાન જળવાયેલું રહે.
નાગપુરમાં હાલ ૪૫.૬ ડિગ્રી તાપમાન છે. ભારે ગરમીને કારણે બે ત્રણ દિવસ પહેલાં રામદાસ પેઠ ખાતે સિમેન્ટ રોડ પર એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. એટલે સાવચેતીના પગલારૂપે કૂલર મૂકવામાં આવ્યા છે.