યુક્રેનને ચાર દિવસમાં પરાજય આપવાની વાત કરનાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ચોવીસ દિવસ બાદ યુક્રેનનું માલ-મિલકતનું ભારે નુકસાન પહોંચાડી શક્યા પણ યુક્રેનિયનોનું મનોબળ તોડી શક્યા નથી. જોકે હવે પુતિનને ડર લાગી રહ્યો છે કે ભોજનમાં ઝેર ભેળવીને તેમની હત્યા કરવામાં આવશે. આ ડરને કારણે તેમણે એમના પર્સનલ સ્ટાફના એક હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નવા કર્મચારીઓની ભરતી કરી છે. રશિયન મીડિયાના જણાવ્યા મુજબ જાસૂસી એજન્સીએ આપેલા ઇનપુટ મુજબ તેમને ઝેર આપી હત્યા કરવામાં આવે એવી શક્યતા છે. એજન્સીના અહેવાલને પગલે પુતિનને એક જાતનો ડર પેસી ગયો છે.
રશિયન ટીવી પર પુતિને કહ્યું હતું કે યુક્રેન સાથેની લડાઈ શરૂ થયા બાદ રશિયામાં તેમના વિરૂદ્ધ અભિયાન શરૂ થઈ શકે છે. અમુક દેશદ્રોહીઓ તેમની હત્યાનું કાવતરું ઘડી શકે છે.
ડેલી બીસ્ટના એડિટર ક્રેગ કોપેટસનું કહેવું છે કે રશિયામાં ઝેર આપી મારી નાખવું એ સૌથી સરળ પદ્ધતિ છે. આમ તો પુતિન ભોજન કરે એ પહેલાં એની ચકાસણી કરવામાં આવે છે. આમ છતાં પુતિને એના પર્સનલ સ્ટાફમાંથી એક હજાર જેટલાને રુખસદ આપી છે. નોકરીમાંથી જેમને કાઢવામાં આવ્યા એમાં સિક્યોરિટી ગાર્ડ્ઝ, કૂક અને અંગત સેક્રેટરી સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.