અમદાવાદના સ્થાપિત શિલ્પ તરીકે પ્રસ્થાપિત માણેક બુર્જ ખાતે 26 ફેબ્રુઆરીના અમદાવાદના ૬૧૨મા સ્થાપના દિનની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અનેક નામી કલાકારોએ અમદાવાદ અંગેની અનેક જાણી-અજાણી વાતો અને અમદાવાદ પર લખાયેલા ગીતો રજૂ કર્યા હતા. ખાસ કરીને કલાકાર હિમાંશુ ચૌહાણ દ્વારા સ્વ. ઘનશ્યામ કવિ દ્વારા અમદાવાદ પર લખાયેલી જાણીતી રચના પ્રસ્તુત કરી, તો અરવિંદ વેગડાએ અમદાવાદ અને તેની ખાસિયતો પર આધારિત ગીત રજુ કર્યું હતું. જ્યારે કૌશિક શ્રીમાળીએ દુહા છંદથી અમદાવાદને લાડ લડાવ્યા હતા. કર્ણાવતી મહાનગરના સંયોજક અભિલાષ ઘોડાએ સ્વાગત પ્રવચનમાં અમદાવાદના વિકાસને પોતાના શબ્દોમાં રજૂ કર્યો હતો, જ્યારે પ્રદેશ સાંસ્કૃતિક સેલના સહ સંયોજક જનક ઠક્કરે સાંસ્કૃતિક સેલના આગામી આયોજનોની ઝાંખી કરાવી હતી. રીવરફ્રન્ટથી શોભતા નવનિર્મિત અમદાવાદને બેકડ્રોપમાં રાખી આખો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સાંસ્કૃતિક સેલના સહ સંયોજક જનક ઠક્કર, કર્ણાવતી મહાનગરના સાંસ્કૃતિક સેલના સંયોજક અભિલાષ ઘોડા, સહ સંયોજક હિમાંશુ ચૌહાણ, અમદાવાદ જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક રાકેશ પુજારા, અમદાવાદના નગર સેવક ડૉ. રણજીત વાંક, પ્રદેશ સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલા જાણીતા કલાકાર અરવિંદ વેગડા, દિપક અંતાણી ઉપરાંત આકાશ ઝાલા, ઉર્વશી સોલંકી, કામિની પટેલ, ઉમંગ આચાર્ય, કૌશિક શ્રીમાળી, ભાવેશ દવે, મેહુલ પટેલ, ઉત્પલ મોદી, હિતેન્દ્ર શાહ સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ દરમ્યાન માણેક બુર્જ પર શ્રીફળ વધેરી, કેક કટિંગ કરી સૌને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.