વિધાનસભ્ય અતુલ ભાતખળકર અને નગરસેવિકા દક્ષા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ
મલાડ ઈસ્ટ દફતરી રોડ પર બની રહેલા સ્કાયવોક મુદ્દે મુંબઈના મેયર કિશોરી પેડનેકર mmrdaના એન્જિનિયર તેમ જ સ્કાયવોક વિભાગના સતીશ થોસરે મુલાકાત લઈ વેપારીઓ અને રહેવાસીઓની રજૂઆત સાંભળી હતી. અહીંના રહેવાસીઓ અને વેપારી સંગઠન સ્કાયવોકનો વિરોધ કરી રહ્યા છે.
મેયરે તેમની રજૂઆતને સાંભળી અને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમ જ ગુરુવાર સુધીમાં નક્કર પગલાં ભરાશે તેમ જણાવતા ઉમેર્યું હતું કે અહી જગ્યા નાની છે તેમ જ વેપારીઓના ધંધાને પણ પ્રતિકૂળ અસર થશે. મુંબઈમાં ફક્ત બે સ્કાયવોક સફળ થયા છે અને બાકીના નિષ્ફળ ગયા છે. આ અંગે તેમણે mmrdaના એન્જિનિયર અને સ્કાયવોક વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. હવે તેઓ સંભધિત વિભાગના મંત્રી અને સીએમને અહેવાલ આપ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે તેવું આશ્વાસન વેપારીઓને આપ્યું હતું.
દરમિયાન, અહીં સ્કાયવોક બનાવવા માટેનો પ્રસ્તાવ આપનાર બીજેપીનાં નગરસેવિકા દક્ષા પટેલ અને મંજૂરી મેળવનારા વિધાનસભ્ય અતુલ ભાતખળકર વિરૂદ્ધ વેપારીઓ અને પ્રજામાં આક્રોશ છે. સ્ટેશન પાસે લગાડવામાં આવેલા હોર્ડિંગમાં તેમણે મંજૂરી માટે લખેલા પત્ર અને હવે સ્કાયવોક અને બેરીકેડ્સ હટાવવા કરવામાં આવી રહેલા વિરોધને આવનારી ચૂંટણી માટેનું ગતકડું કહી તેમના દોઘલા ચહેરાનો પર્દાફાશ કરી જનતાને સાવધ રહેવાની અપીલ કરાઈ હતી.
મેયર પેડનેકર અને અધિકારીઓએ સ્ટેશનથી લઈ હાઇવે સુધી નિરીક્ષણ કર્યું હતું. તેમ જ દુકાનદારો અને રહેવાસી સંગઠનની રજૂઆત સાંભળી હતી. અહીં રસ્તા વચ્ચે પડેલા સ્કાયવોક બાંધવાનો સામાન બેરીકેડ્સને કારણે ભારે ટ્રાફિક થાય છે તેમ જ રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ અને વેપારીના ધંધાને થતી અસર દૂર કરવા ગુરુવાર સુધીમાં પગલાં લઈ હટાવી દેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે વેપારી એસોસિયેશનના અધ્યક્ષ જનકભાઈ ખખ્ખર, જીતુભાઈ ખખ્ખર, રાજીવ શુક્લા. સંતોષ ધનાવડે, આનંદ આહલટ તેમ જ વૈભવ માલાનકર. બીજેપીના સ્વર્ગીય નગરસેવક રામ બારોટના પુત્ર નીરવ બારોટ વગેરે અગ્રણી વેપારીઓની સાથે શિવસેનાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.







