૧ સપ્ટેમ્બરથી બેસ્ટનો નવો પ્લાન અમલમાં મુકાશે
બેસ્ટ પ્રશાસને બસના રૂટમાં ભારે ફેરફાર કરવાની સાથે ચાર રૂટ બંધ કર્યા છે.
બસના રૂટમાં કરાયેલા ફેરફારને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે એવી શક્યતા છે. જોકે બેસ્ટ પ્રશાસનનું કહેવું છે કે યાત્રીઓને અગવડ ન પડે એ માટે વૈકલ્પિક રૂટ પણ ઉપલબ્ધ કરાવાયા છે. આ જાણકારી બેસ્ટના જનસંપર્ક વિભાગ દ્વારા આપવામાં આવી છે.
બેસ્ટ પ્રશાસનનું કહેવું છે કે યાત્રીઓએ કરેલા સૂચનોને ધ્યાનમાં રાખી દર વરસે બસના રૂટમાં ફેરફાર કરવામાં આવે છે. એ જ રીતે અનાવશ્યક રૂટ બંધ કરવામાં આવે છે. છેલ્લા દોઢ વરસથી કોરોનાને કારણે મુંબઈના વિકાસ કાર્યો પર બ્રેક લાગી હતી. એ સાથે બસ રૂટ પણ બદલી શકાયા નહોતા કે રદ પણ નહોતા થઈ શક્યા.
યાત્રીઓના વાંધા-સૂચનો બાદ બસના અમુક રૂટ બંધ કરાયા છે તો થોડા રૂટ બદલવામાં આવ્યા છે.
જે રૂટ બંધ કરવામાં આવ્યા છે એમાં ૨૦ લિમિટેડ, ૪૩, ૬૧, અને એ-૩૨૯નો સમાવેશ થાય છે. જે રૂટ બંધ કરવામાં આવ્યા છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અમુક નવા રૂટ પણ શરૂ કરાયા છે તો ૧૮ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.






