મુંબઈમા આયાત-નિકાસનો વ્યવસાય ધરાવતા વેપારીને ફોન પર જાનથી મારી નાખવાની ગેન્ગસ્ટર તરફથી ધમકી આપવાના કેસમાં ખંડણી વિરોધી શાખાએ વરલીથી ૭૧ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં પોલીસે કર્ણાટકથી અનંત શેટ્ટી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, જે ગેન્ગસ્ટર વિજય શેટ્ટીના સંપર્કમાં હતો.
ખંડણી વિરોધી શાખાએ ધરપકડ કરેલા વૃદ્ધની ઓળખ હેમંત બેંકર (૭૧) તરીકે થઇ હતી. હેમંત બેંકરે ફરિયાદી વેપારી વિશેની તમામ માહિતી અનંત શેટ્ટી સુધી પહોંચાડી હતી. બાદમાં વેપારીને ગેન્ગસ્ટર તરફથી ધમકી મળવા લાગી હતી. હેમંત બેંકર આ કેસના ફરાર મુખ્ય આરોપીનો પિતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આયાત-નિકાસનો વ્યવસાય ધરાવતા વેપારીની દુબઇ સહિત અમુક દેશમાં ઓફિસ આવેલી હોઇ તેને જુલાઇ, ૨૦૧૯થી ગેન્ગસ્ટર તરફથી ફોન પર ધમકી મળી રહી હતી. આથી વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.