ચિઠ્ઠીઓથી ફરી જોડાતું માનવીય બંધન
મુંબઈમાં ‘જન સેવા કનેક્ટ’ પહેલ અંતર્ગત નવીન અને આધુનિક સુવિધાઓથી સજ્જ ફ્યુચર-રેડી અંધેરી આરએસ પોસ્ટ ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી Devendra Fadnavis અને કેન્દ્રીય સંચાર મંત્રી Jyotiraditya M. Scindia ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંધેરી પશ્ચિમના ધારાસભ્ય અમિત સાટમ તથા મહારાષ્ટ્ર-ગોવા સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અમિતાભ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

1932-33માં સ્થાપિત અંધેરી આરએસ પોસ્ટ ઓફિસને હવે ટેકનોલોજી સક્ષમ, નાગરિકકેન્દ્રિત અને આધુનિક સેવાકેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી છે. અહીં ડિજિટલ ઇન્ટિગ્રેશન, અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહકમૈત્રી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ‘જન સેવા કનેક્ટ’ યોજના અંતર્ગત સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, નવી દિલ્હીના સહયોગથી સાકાર થયો છે.
આ પ્રસંગે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, “મોબાઇલ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં હવે ફરી લાગણીઓભરી ચિઠ્ઠીઓ તરફ વળવાનો સમય આવી ગયો છે. શાહીથી લખાયેલા શબ્દોમાં જે આત્મીયતા છે, તે કોઈ સ્ક્રીન પર નથી મળતી.”
ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોસ્ટમેન, પોસ્ટવુમન અને પોસ્ટલ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી।






