મુંબઈના જાણીતા ડાયમંડ એક્સપર્ટ હાર્દિક હુંડિયાએ નીરવ મોદી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પીએનબીને 13,500 કરોડ રૂપિયાનો ચૂનો લગાડી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી બેન્ક ગોટાળાનો મુખ્ય આરોપી છે, પરંતુ ડાયમંડ એક્સપર્ટની વાત માનીએ તો નીરવ મોદી બેન્ક ગોટાળામાં વેપારીઓ, બેન્કના અધિકારીઓ અને ડાયમંડ વેલ્યુઅર્સ પણ જવાબદાર છે. અને આ તમામ પોલીસ તપાસના દાયરામાં આવ્યા નથી.
ડાયમંડ એક્સપર્ટ હાર્દિક હુંડિયાનું કહેવુ છે કે આ બંને ને ડાયમંડનો ધંધો કરવાની જે સુવિધાઓ ભારતમાં મળતી હતી એ બીજા કોઈ દેશમાં મળે એમ નહોતી. આ વાત જણાવતા હાર્દિક હુંડિયાએ કહ્યુ કે આ ગોટાળો વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો હતો. આ બંને મામા-ભાણેજને જાણ હતી કે હવે અમારી પોલ ખુલવાની છે.
મેહુલ ચોક્સી અને નીરવ મોદી આટલા જલદી નાસી જાય એમાંના નહોતા. અને સરકાર ભલે કોઈ પણ પક્ષની હોય, બધે તેમનો દબદબો હતો. પરંતુ ગોટાળો એટલો મોટો કરી નાખ્યો કે દેશ છોડીને ભાગવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેમની પાસે રહ્યો નહોતો. તેઓ દેશ છોડીને ભાગ્યા ત્યારે તેમના પર 11,500 કરોડ રૂપિયાનું દેવું હોવાનું બહાર આવ્યું હતું. તેની સામે 5100 કરોડની જ્વેલરી મળી હોય તો ભાગવાની જરૂર ક્યાં ઊભી થઈ? પરંતુ હું વિશ્વાસપૂર્વક કહું છું કે જે જ્વેલરી વેચવામાં આવે તો આજે એના પંદરસો કરોડ રૂપિયા પણ ઉપજશે કે નહીં એની કોઈ ગેરેન્ટી નથી.






